Get The App

3 મિનિટ દૂર એમ્બ્યુલન્સ દોઢ કલાકે પહોંચતાં વૃદ્ધનું મોત

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
3 મિનિટ દૂર એમ્બ્યુલન્સ દોઢ કલાકે પહોંચતાં વૃદ્ધનું મોત 1 - image

હાર્ટ એટેક બાદ વૃદ્ધે જાતે ૧૦૮ બોલાવી હતી

કલયાણમાં વિલંબ બદલ  ડ્રાઈવરે ટ્રાફિક જામનું બહાનું કાઢ્યું ઃ લોકોમાં ભારે રોષ

મુંબઇ -  કલ્યાણમાં એક આઘાતજનક ઘટનામાં રસ્તામાં વૃદ્ધજનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમણે તત્કાળ સમયસૂચકતા દેખાડી ૧૦૮ નંબર પર સંપર્ક કર્યો હતો. કમભાગ્યે એમ્બ્યુલન્સ ત્રણ મિનિટના અંતરે હોવા છતાં પહોંચવામાં પોણો કલાક લાગતા મેવાલાલ ગુપ્તા (ઉં.વ.૭૦) નામના સિનિયર સિટીઝનનું હાર્ટ અટેકને લીધે મૃત્યુ થયું હતું.

બનાવની  વિગત મુજબ આંબિવલીના રહેવાસી મેવાલાલ ગુપ્તા કોઇ કામસર બુધવારે કલ્યાણ આવ્યા હતા. કલ્યાણ વેસ્ટમાં એક હોટેલ નજીક તેમને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડતા તેમણે પોતાના મોબાઇલમાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ માટે સંપર્ક કર્યો હતો. આ જગ્યાએથી ત્રણ મિનિટના અંતરે આવેલી રૃકમિણીબાઇ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ઉભી હોવા છતાં પોણોકલાકે પહોંચી હતી. આ દરમિયાન હૃદયરોગના ભારે હુમલાએ વૃદ્ધજનનો ભોગ લીધો હતો. છેલ્લી ક્ષણો ગુપ્તાજીએ કેટલી અસ્વસ્થતા વચ્ચે કાઢી તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો હતો.

સિનિયર સિટીઝનને જ્યારે પાલિકાની રૃકમિણીબાઇ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું હોવાનું તબીબી અધિકારીએ જણાવ્યું હતું.

૧૦૮ના ડ્રાઇવરને પૂછવામાં આવ્યું કે તેને આવતા કેમ મોડું થયું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે એક દરદીને મૂકવા ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે સ્ટેશન પાસે એટલો ટ્રાફિક જામ થયો હતો કે પહોંચતા મોડું થયું હતું. જો કે તેના બચાવ પર નાગરિકોને વિશ્વાસ ન બેસતા નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

ગયા વર્ષે જુલાઇમાં આવી જ એક ઘટના બની હતી. એક મહિલા દરદીને સમયસર એમ્બ્યુલન્સ ન મળતા રૃકમિણીબાઇ હોસ્પિટલના દરવાજે જ મૃત્યુ થયું હતું. આની પહેલાં એક પ્રસૂતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવતા હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે જ તેની પ્રસૂતિ થઇ ગઇ હતી. મ્યુનિસિપલ હોસ્પિટલની કામગીરી બાબત લોકોએ તીવ્ર નારાજગી દર્શાવી હતી.