આઈટી રિફંડ, રોકાણના નામે છેતર્યાં
બનાવટી કંપની ઉભી કરી ચોખાના વેપારમાં મોટા નફાની લાલચ આપી
મુંબઈ - પવઈ પોલીસે ભાડૂઆત દંપતી મોહિતકુમાર બિસુ અને તેની પત્ની સુષ્મા વિરુદ્ધ ૭૬ વર્ષીય વૃદ્ધાને વેપારમાં રોકાણ અને આવકવેરા રિફંડના નામે ૧.૭૧ કરોડની નાણાંકીય છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યા મુજબ, આરોપીએ ૨૦૨૨માં હિરાનંદાની ગાર્ડન્સમાં વૃદ્ધાનું ઘર ભાડે લઈને ધીમે ધીમે તેમનો વિશ્વાસ જીત્યો હતો.આ બાદ આરોપી મોહિતકુમાર બિસુએ વૃદ્ધાને ચોખાના વેપારમાં રોકાણ કરવા પ્રેરિત કરી ઊંચા નફાની લાલચ આપી હતી. તેણે ખોટી કંપની ઉભી કરી હતી અને યોગ્ય દસ્તાવેજો વગર કરાર પણ કરાવ્યો હતો. આ બાદ ડિસેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન વૃદ્ધાએ લગભગ રુ. ૩૬.૫ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ તેમને કોઈ વળતર મળ્યું નહોતું અને આરોપી વારંવાર વેપારમાં નફો નથી થઈ રહ્યો એવું બહાના આપતો રહ્યો હતો.
દરમિયાન વૃદ્ધાએ પોતાની બે મિલકતો વેચીને લગભગ રુ. ૧.૯૦ કરોડ પ્રાપ્ત કર્યા હતા. તેમાંથી રુ.૨૪ લાખ ઇન્કમ ટેક્સ ચૂકવ્યા બાદ, આરોપીએ ટેક્સ રિફંડ મેળવવામાં મદદ કરવાની વાતો કરીને પીડિતાનો ફરી વિશ્વાસ મેળવ્યો હતો. આ બહાને તેણે વૃદ્ધાની બેંકિંગ અને મોબાઇલ બેંકિંગની માહિતી મેળવી લીધી હતી.
પોલીસ મુજબ, આરોપીએ વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રુ.૧.૭૧ કરોડ પોતાના અને પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. ઉપરાંત, વૃ્દ્ધાના ક્રેડિટ કાર્ડનો પણ ઓટો-ડેબિટ દ્વારા દુરુપયોગ કર્યો હતો. આ તમામ બાદ પણ વૃદ્ધાને ન તો રોકાણ પર નફો મળ્યો કે ન તો ટેક્સ રિફંડ આપ્યું હતું.
પવઈ પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


