ફ્રોડસ્ટરોએ નકલી એપ અને બનાવટી નફો દેખાડયો
ભારતીય અને અમેરિકી શેરબજાર ખુલે તેની ૧૫ મિનીટ વહેલી એક્સેસ આપવા જેવા દાવા કર્યાઃ પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો તો વધુ આઠ કરોડ માગ્યા
મુંબઈ - મુંબઈમાં 'ડિજિટલ એરેસ્ટ' અને શેર ટ્રેડિંગ એપમાં દરરોજ કરોડો રૃપિયાનું ફ્રોડ થાય છે. આવી ઘટનામાં વધુ ઉમેરો કરતી એક ઘટના દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં બની છે. જેમાં ૬૮ વર્ષના એક વૃદ્ધ વેપારીએ શેર ટ્રેડિંગ કૌભાડમાં ૧૦.૯૮ કરોડ રૃપિયાની રકમ ગુમાવી હતી. ફ્રોડસ્ટરોએ છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધ વેપારીને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરનું વચન આપી નકલી ઓનલાઈન યોજનામાં ફસાવી દીધા હતા.
આ બાબતે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે ૬૮ વર્ષના વૃદ્ધ ફરિયાદી એક લોજિસ્ટેક ફર્મ ધરાવે છે અને ચર્ચગેટના મહર્ષિ કર્વે રોડ પર રહે છે. ફરિયાદી નિયમિત શેરબજારમાં રોકાણ કરે છે. તેઓ વૈકલ્પિક રોકાણના રસ્તાઓ શોધી રહ્યા હતા. ત્યારે તેઓ મોહન શર્માને ઓનલાઈન મળ્યા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની ફર્મ ભારતીય અને અમેરિકન શેરબજારમાં ઉચ્ચ નફાકારક રોકાણની તકો પ્રદાન કરે છે. ફરિયાદીને શર્માની વાતોમાં વિશ્વાસ બેસ્યા બાદ શર્માએ તેમને ટ્રેડર ટાઈટન વીઆઈપી ૪૬ નામના એક વોટ્સએપ ગુ્રપમાં એડ કર્યા હતા.
આ વોટ્સએપ ગુ્રપમાં સભ્યો નિયમિતપણે સ્ક્રીન શોટ અને મેસેજો શેર કરતા હતા. જેમા શેર બજારની ટિપ્સ દ્વારા મોટા પાયે નફો મેળવ્યાનો દાવો કરવામાં આવતો હતો.
ત્યારબાદ શર્માએ તેમનો પરિચય બીજા એક આરોપી એલેક્સ સાથે કરાવ્યો હતો જે એક ઈક્વિટી ફર્મનો જનરલ મેનેજર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને પ્રામિયમ વોટ્સએપ ગુ્રપ નામના એક વોટ્સએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને એક અરજી પર નોંધણી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેની લિંક તેમની સાથે શેર કરવામાં આવી હતી. આ લિંક પરની એપનું નામએ પહેલાની ફર્મનું જ બદલેલું રૃપ હતું.
પોલીસ સૂત્રોનુસાર વેપારીને ત્યારબાદ બહુવિધ ખાતાઓમાં પૈસા જમા કરવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. વેપારી દ્વારા જમા થતી રકમ છેતરપિંડીવાળી બનાવટી એપ્લિકેશન પર વર્ચ્યુઅલ વોલેટમાં પ્રતિબિંબિત થતી જોવા મળી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને આઈપીઓ અને શેરબજારમાં વેપારમાં રોકાણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પ્રીમિયમ સભ્યો ભારતીય અને યુએસ શેરબજાર ખુલવાના ૧૫ મિનિટ પહેલા બજારોમાં પ્રવેશ કરી શકે છે.
એમાં અપવાદરૃપે ઊંચુ વળતર મળતું હોવાથી છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને વારંવાર વધુ રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ અને ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ વચ્ચે તેમણે છેતરપિંડી વાળા પ્લેટફોર્મ દ્વારા કુલ ૧૦.૯૮ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.
૧૭ જાન્યુઆરીના રોજ ફરિયાદીએ પોતાના ભંડોળની રકમ ઉપાડવાની માગણી કરી ત્યારે મુશ્કેલી શરૃ થઈ હતી. ફરિયાદી આ રકમ ઉપાડી શક્યા નહોતા. પરંતુ તેમને વધુ રકમ રોકાણ કરવા પડયા હતા. જો કે થોડા સમય બાદ વોટ્સએપ ગુ્રપ પરની પ્રવૃત્તિઓ અચાનક બંધ થઈ ગઈ હતી. આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે જો તેઓ વધુ આઠ કરોડ રૃપિયા નહીં ચૂકવે તો તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેશે. અને તેમના રોકાણોની તમામ રકમ જપ્ત કરી લેવામાં આવશે. વૃદ્ધ વેપારીને છેતરપિંડીની શંકા જતા ફરિયાદીએ તેની પત્ની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી.
વેપારીની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (છેતરપિંડી) ૩૧૯ (દેખાવ દ્વારા છેતરપિંડી) ૩૩૬ (બનાવટી અને આઈટી એક્ટની કલમ ૬૧ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.


