Get The App

પાલિકાની ચૂંટણીમાં વયસ્કો અને દિવ્યાંગો ઘરમાંથી વોટ નહિ આપી શકે

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
પાલિકાની ચૂંટણીમાં વયસ્કો અને દિવ્યાંગો ઘરમાંથી વોટ નહિ આપી શકે 1 - image

ટેકનીકલ સમસ્યા નડતા રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય

અસક્ષમ મતદારો માટે વાહન મથકના પ્રવેશદ્વાર સુધી લઈ જવાની છૂટ તેમજ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે

મુંબઈ  - રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આગામી પાલિકાની આગામી ચૂંટણીઓ દરમ્યાન દિવ્યાંગ અને વયસ્ક મતદાતાઓને ઘરમાંથી મતદાન કરવાની સુવિધા નહિ મળે. પંચના જણાવ્યા અનુસાર લોકસભા અને વિધાનસભામાં આ સુવિધા આપવામાં આવી હતી પણ નગર નિગમ ચૂંટણીઓની સંરચના અલગ હોવાથી આ પદ્ધતિ લાગુ કરવી ટેકનીકલ દ્રષ્ટિએ સંભવ નથી. પંચે જણાવ્યું કે પાલિકાની ચૂંટણીમાં પ્રત્યેક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી પ્રતિ મતદાતા બેથી ત્રણ ઈવીએમ રાખવા પડે તેમ છે, જેના કારણે ઘરમાંથી મતદાનની સુવિધા જટિલ અને જોખમપૂર્ણ છે.

મુંબઈ મહાપાલિકાએ આ મુદ્દા પર પોતાનો અલગ નિર્ણય લેવાની જાહેરાત કરી છે કારણ કે અહીંની વ્યવસ્થા અને ચૂંટણીના પડકારો અન્ય શહેરોથી ભિન્ન હોય છે. રાજ્ય ચૂંટણી પંચના આયુક્ત દિનેશ વાઘમારેએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે થયેલી બેઠકમાં સ્પષ્ટતા કરી કે હાલ ઘરમાંથી મતદાનની કોઈ વ્યવસ્થા શક્ય નથી, પણ દિવ્યાંગ અને વયસ્ક મતદાતાઓની સહાયતા માટે જરૃરી પગલા લેવામાં આવશે. એના અંતર્ગત એવા મતદાતાઓને લઈને આવતા વાહનોને સીધા મતદાન કેન્દ્રોના પ્રવેશદ્વાર સુધી જવાની મંજૂરી મળશે તેમજ તેમના માટેના બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેશે.

બેઠકમાં રાજકીય પક્ષોએ મોટા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મતદાન કેન્દ્રો સ્થાપિત કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો. તેમના મતે આવા પરિસરોમાં ઘણીવાર કોઈ એક મુખ્ય રાજકીય પક્ષના સમર્થકો બહુમતિમાં હોય છે, જેઓ મતદાનને પ્રભાવિત કરવા મતદાતાઓ પર દબાણ કરી શકે છે. પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર મતદાતાઓને ધમકીઓ પણ મળી છે કે જો તેઓ નિર્ધારીત પક્ષને મત નહિ આપે તો તેમને પરિસરની સુવિધાઓ નહિ મળે.

ચૂંટણી પંચે જણાવ્યું કે મુંબઈ અને પુણે સિવાય મોટાભાગના સ્થાનો પર એવા મોટા કોમ્પ્લેક્સ ઓછા હોય છે, માટે સામાન્ય રૃપે તેમની જરૃર નહિ પડે. જો કે મુંબઈની વસતી ગીચતા અને કોમ્પ્લેક્સની સંખ્યાને જોતા આ બાબતે ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે, કારણ કે એક પોલિંગ સ્ટેશન માટે હજારથી બારસો મતદાતાઓની સીમા હોવાથી હાઉસિંગ કોમ્પ્લેક્સમાં સુવિધા ઊભી કરવી યોગ્ય રહેશે. એ જ પ્રકારે પંચ ટેકનીકલ પડકારો અને રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આગામી તબક્કાના નિર્ણયો પર વિચારવિમર્શ કરશે.