વિદાયમાનના બીજા જ દિવસે વિરારના માજી મ્યુ. કમિશનર અનિલ પવારને ત્યાં ઈડીના દરોડા

ગેરાકયદે બાંધકામોને છાવરવા સહિતના ભ્રષ્ટાચારના આરોપો નડી ગયા
સતત બાર કલાક થી વધુ સમય માટે કાર્યવાહીઃ બંગલા સહિત અન્ય સ્થળોએ દરોડાઃ પત્ની તથા પુત્રીને પણ અન્યત્ર લઈ જઈ પૂછપરછ
મુંબઈ - વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કમિશનર અનિલ કુમાર પવારે સોમવારે પદ છોડયા પછી બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. આ દરોડાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. બાર કલાકથી વધુ સમય સુધી તપાસ અને પૂછપરછ ચાલી હતી. નાલાસોપારામાં ૪૧ ગેરકાયદેસર ઈમારતોનાં પ્રકરણ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી ૈગેરકાયદેર બાંધકાામોે છાવરવા સહિતના ભ્રષ્ટાચારના કેસોમાં મની લોન્ડરિંગના પ્રકરણે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
જાન્યુઆરી ૨૦૨૨ થી કમિશનર અનિલ કુમાર મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટકર્તા તરીકે કાર્યરત હતા. તેઓ લગભગ ચાર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યરત હતા. તાજેતરમાં જ મુંબઈ મેટ્રોપોલિટન સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે થાણેમાં તેમની બદલી કરવામાં આવી હતી. ટ્રાન્સફર પછી પણ તેઓ એક અઠવાડિયા સુધી મહાનગરપાલિકામાં કાર્યરત હતા. સોમવારે મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક પ્રતિનિધિઓ, નેતાઓ અને વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદાય સમારંભ પછી બીજા જ દિવસે ઇડીએ તેમની સામે કાર્યવાહી કરી હતી. વસઈના દીનદયાળ નગરમાં તેમના સરકારી બંગલા પર ઇડીએ દરોડા પાડયા હતા. સવારથી જ આ કાર્યવાહી ચાલી રહી છે અને બપોરના સત્રમાં તેમની પુત્રી અને પત્નીને બે અલગ અલગ વાહનોમાં પૂછપરછ માટે બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન, ઇડી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને ઘરની બહાર તૈનાત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી વસઈમાં ભારે હોબાળો મચી ગયો છે કારણ કે ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર પોતે ઇડીના રડાર હેઠળ આવી ગયા છે.
બાંધકામ પ્રોજેક્ટસને આડેધડ મંજૂરી સહિતના આરોપો
ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારે મહાનગરપાલિકામાં સૌથી લાંબો સમય, ત્રણ વર્ષથી વધુ સમય સેવા આપી હતી. તેમના ત્રણ વર્ષના વહીવટી કાર્યકાળ દરમિયાન, વસઈ- વિરારમાં આડેધડ વહીવટ ચાલી રહ્યો હતો. સ્વરાજ્ય અભિયાન સંગઠનના પ્રમુખે આરોપ લગાવ્યો છે કે, રસ્તા, બાંધકામ, પાણી પુરવઠો, દવા ખરીદી કૌભાંડ અને ખોટી રીતે કોન્ટ્રાક્ટ આપવા જેવી વિવિધ રીતે ભ્રષ્ટાચાર થયો છે. ૪૧ અનધિકૃત ઈમારતના કેસ સસ્પેન્ડ કરાયેલા શહેર નિયોજક વાય.એસ રેડ્ડી સાથે, અનિલ કુમાર પવારના નામની પણ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, તેઓ કાર્યવાહીથી બચી ગયા હતા. ગયા અઠવાડિયે તેમની બદલી કરવામાં આવી હતી. આ બદલી પછી પણ, તેઓ એક અઠવાડિયા માટે મહાનગરપાલિકામાં હતા. આ સમયગાળા દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફરિયાદ કરવામાં આવી હતી કે તેમણે ઘણી ફાઇલો પર સહી કરી છે અને બાંધકામ પરમિટ આપી છે. તાજેતરમાં જાહેર થયેલા આઇટી ટેન્ડર કૌભાંડમાં પણ તેમનું નામ હતું. આ બધા કેસોની પૃભૂમિ સામે, ઇડીએ તેમની સામે કાર્યવાહી કરી હતી.
ઈડીની ટીમ માટે એક કલાક સુધી દરવાજો ખુલ્યો નહીં..
કમિશનરનું સત્તાવાર નિવાસસ્થાન વસઈ-વેસ્ટના દીનદયાળ નગરમાં છે. અનિલ પવાર તેમની પત્ની અને પુત્રી સાથે ત્યાં રહે છે. મંગળવારે સવારે, ઇડી ટીમ મોટી ફોર્સ સાથે પહોંચી હતી. જોકે, ઇડી અધિકારીઓને જોયા પછી કમિશનરે દરવાજો ખોલ્યો નહીં. આ સમયગાળા દરમિયાન, એવી શંકા છે કે તેમણે તેમના મોબાઇલ અને લેપટોપમાંથી દસ્તાવેજોનો નિકાલ કર્યો હતો. લગભગ એક કલાક પછી, પોલીસે દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. આનાથી ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી.
અગાઉ ટાઉન પ્લાનર, આર્કિટેક્ટને ત્યાં દરોડા
નાલાસોપારામાં ૪૧ અનધિકૃત ઇમારતોના કેસમાં મે મહિનાથી વસઈ-વિરારમાં ઇડીનું કાર્યવાહી સત્ર ચાલી રહ્યું છે. હૈદરાબાદમાં મહાનગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ રેડ્ડીના નિવાસસ્થાને દરોડા પાડીને કરોડો રૃપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. તે કેસ પછી, મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આ પછી, ઇડી એ મોટા ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આકટેક્ટ્સ વગેરે પર દરોડા પાડયા હતા. આ કાર્યવાહી પછી, એવી આગાહી કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર અનિલ કુમાર પવાર પણ ઇડીના રડાર પર આવશે. છેવટે, વિદાય સમારંભના બીજા જ દિવસે ઇડી અનિલ પવાર સુધી પહોંચી ગયું હતું. હવે એવી મહાપાલિકામાં અન્ય ગેરરીતીઓ પણ પ્રકાશમાં આવવાની શક્યતા છે.








