Mumbai

ઈડી દ્વારા આઠ સ્થળોએ છાપામારી 100 કરોડની સંપત્તિનો પર્દાફાશ

By GS TEAM
3 Oct 20252 mins read
ઈડી દ્વારા આઠ સ્થળોએ છાપામારી 100 કરોડની સંપત્તિનો પર્દાફાશ

ખેડૂતોના નામે લોન મંજૂર કરાવી ૧૫૩ કરોડનું  કૌભાંડ

બેંક અધિકારી સાથે કાવતરું રચી ૫૦ લાખની લોન સાથે ૧૫૮ ખાતા  મંજૂર કરાવી ખેડૂતોના નામે લોન ઉપાડી 

મુંબઈ -  એન્ફેોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ૧૫૨.૯ કરોડના લોન છેતરપિંડીના એક કેસમાં આઠ સ્થળોએ છાપા મારી ૧૦૦ કરોડની સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડને લીધે ૧૫૦થી વધુ ખેડૂતો અને એક સરકારી બેંક પ્રભાવિત થઈ છે. ઈડીએ આ કેસમાં ૧૦ લાખની રોકડ અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઈડીએ આ મામલે બુધવારે નાગપુર, ભંડારા અને આંધ્રપ્રદેશના ગંટૂરમાં આવેલા  વિવિધ આઠ સ્થળોએ છાપા માર્યા હતા.

આ સંદર્ભે ઈડીના સૂત્રોનુસાર રમણરાવ બોલા અને નૂતન સિંહ આ બે આરોપીઓએ કથિત સરીતે ખેડૂતોને પાક નિષ્ફળ જવાના કારણે રાજ્ય સરકારનું વળતર મેળવી આપવાના બહાને બેંક ખાતા ખોલવા માટે તેમના આધાર કાર્ડ અને અન્ય વિગતો શેર કરવા મનાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ખેડૂતોના નામે લોન મંજૂર કરાવી અને મોટી રકમની ઉચાપત કરી હતી. દરેક ખેડૂતોના નામે ૫૦ લાખ રૃપિયાની લોન મંજૂર કરાવવામાં આવી હતી. તે સમયની કોર્પોરેશન બેંકનું ત્યારબાદ યુનિયન બેંકમાં મર્જર કરવામાં આવ્યું હતું.

આ ભંડોળનો ઉપયોગ આરોપીઓએ કથિત રીતે ઈજી દ્વારા ઓળખાયેલી સંપત્તિ ખરીદવા માટે કર્યો હતો.  ઈડીના આ દરોડામાં મોટા પાયે ગુનાહિત દસ્તાવેજો, મિલકતના કાગળો, ડિજીટલ ઉપકરણો,  ૧૦ લાખ રૃપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઈડીએ બેંક બેલેન્સ અને વીમા પોલિસી સહિતની જંગમ સંપત્તિઓ ફ્રીઝ કરી હતી અને૧૦૦ કરોડ રૃપિયાથી વધુની સ્થાવર મિલકતો પણ શોધી કાઢી હતી. ઈડીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

રમણા બોલાએ ૧૫૮ ખેડૂતોના નામે ખાતાં ખોલાવ્યા હતા અને દરેક શાખામાંથી અંદાજે ૫૦ લાખ સુધીની લોન મંજૂર કરાવી હતી. તે બધી બેંક લોન માટે ગેરેન્ટર બન્યો હતો અને પછીથી આ રકમ ઉપાડી લીધી હતી. બોલાને લીધે  બેંકને ૧૧૩ કરોરૃ રૃપિયાનું નુકસાન થયું હતું.  ત્યારબાદ ૫૪ ખેડૂતોના નામે ફરી તે જ બેંક અધિકારી સાથે મળી ૨૫ કરોડની લોન મંજૂર કરાવી લીધી હતી. આ કેસમાં પણ તેમણે પૈસા ઉપાડી લીધા હતા.

ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે બોલા અને સિંહે મળી આ રકમનો ઉપયોગ તેમના નામે તેમ જ તેમના પરિવારના સભ્યો અને તેમના માલિકીની વિવિધ કંપની-સંસ્થાઓના નામે ભૂતકાળમાં લીધેલી લોનની ચૂકવણી માટે પણ કરવામાં આવ્યો હતો.