Get The App

65 કરોડના મીઠી સફાઈ કૌભાંડમાં ડિનો મોરિયોને ત્યાં ઈડીના દરોડા

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
65 કરોડના મીઠી  સફાઈ કૌભાંડમાં   ડિનો મોરિયોને ત્યાં ઈડીના દરોડા 1 - image


મ્યુ. અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત મુંબઈ -કોચીનાં ૧૫ સ્થળે  તપાસ

નદીમાંથી કદડો કાઢવાના  કૌભાંડમાં અગાઉ ડિનોની બે-બે વખત પોલીસ દ્વારા પૂછપરછ બાદ હવે  ઈડી દ્વારા મુંબઈ, કેરળ સહિત ૧૫ સ્થળે દરોડા

મુંબઇ  -  એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ૬૫ કરોડ રૃપિયાના મીઠી નદી સફાઇ ગોટાળા પ્રકરણે આજે સવારે બોલીવૂડના એકટર ડિનો મોરિયાના બાંદરા વેસ્ટ ખાતેના નિવાસસ્થાન લોટ્સ કોર્ટમાં છાપો માર્યો હતો. ઇડીએ મીઠી નદી ગોટાળા પ્રકરણે મુંબઇથી કેરળ સુધી અનેક સ્થળે છાપામારીની કાર્યવાહી કરી હતી.  ડિનો મોરિયા સામેની આ કાર્યવાહી મની લોન્ડરિંગની તપાસ હેઠળ કરવામાં આવી હતી.  ડિનો ઉપરાંત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ત્યાં પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 

ઇડીએ આજે સવાર આઠ વાગ્યાથી ડિનો મોરિયાના ઘરે પહોંચી જઇ છાપામારીની કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલા પણ  મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ  ડિનો મોરિયી અને તેના ભાઇ સેંટિનો મોરિયોની મીઠી નદી સફાઇ ગોટાળા પ્રકરણે પૂછપરછ કરી હતીય. મીઠી નદી ગોટાળા પ્રકરણે ત્રણ પાલિકા અધિકારી, પાંચ કોન્ટ્રાકટર, ત્રણ વચેટીયા અને બે કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મુંબઇમાં મીઠી નદીની સફાઇ અને ગાળ દૂર કરવા તેમજ ડ્રેનેજના કામો માટે ફાળવવામાં આવેલા પૂર નિયંત્રણ કાંપ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદીમાં ગેરરીતિઓના પુરાવો એકત્ર કરવા માટે ઇડીના અધિકારીઓ નાણાકીય દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ડેટા અને અન્ય રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં  ઇડીએ આજે મુંબઇ અને કેરળના કોચી સહિત ૧૫ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં મોરિયો, પાલિકાના આસીસ્ટન્ટ એન્જિનિયર  પ્રશાંત રામગુડે અને અમૂક કોન્ટ્રાકટરોના નિવાસસ્થાન અને ઓફિસનો સમાવેશ થાય છે. બીએમસીને નદીમાંથી કદડો દૂર કરવા  માટે ડિસિલ્ટિંગ મશીન પૂરાં પાડનારી એક કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ કોચી ખાતે હોવાથી ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 

કોનટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) અને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા   હાથ ધરાયેલી તપાસમાં કોરોના કાળ દરમિયાન મુંબઈની મીઠી  નદીનો કાંપ (ગાળ) દૂર કરવાના કામમા ગેરરીતીઓ ે જોવા મળી હતી. આ સમગ્ર કામગીરી ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન થઈ હતી. કેગની તપાસનાં  આ તારણોના આધારે મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબલ્યુ)એ  એફઆઇઆર દાખલ કરી હતી જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. ઇડીના ગુનામાં બીએમસીના અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાકટરોને પણ આરોપી તરીકે દર્શાવાયા છે.  મુંબઈ પોલીસ દ્વારા ગત મે માસમાં કુલ ૧૩ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. તેમાં મુખ્યત્વે કોર્પોરેશનના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. આ કૌભાંડંમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા લોકો સાથે ડિનોની ફોન પર વાતચીત થઈ હોવાના પુરાવા મળ્યા હતા.ડિનો અને વચેટિયાઓ વચ્ચે આ કામગીરી બાબતે જ ચોક્કસ વાતચીત થઈ હતી. 

આ પુરાવાના આધારે ગત તા. ૨૬મેના રોજ આર્થિક ગુના શાખાએ ડિનો મોરિયાની પૂછપરછ કરી હતી. આર્થિક ગુના શાખાના સૂત્રોનુસાર ડિનો મોરિયો અને તેના ભાઇ સેંટિનોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ડિનો અને તેના ભાઇ સેંટિનોએ મીઠી નદી સફાઇ ગોટાળાના એક આરોપી કેતન કદમ સાથે ઘણીવાર ફોન પર વાતચીત કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી હોવાનું કહેવામાં આવે છે.  તેમણે મીઠી નદીનો કદડો કાઢવાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને સિલ્ટ પુશર મશીનસ્ તથા મલ્ટી પર્પઝ પોન્ટૂન મશીન્સ સપ્લાય કર્યાં હતાં. આ આર્થિક ગોટાળાને લીધે મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)ને ૬૫ કરોડ રૃપિયાનું નુકાન થયુ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૯૭થી ૨૦૨૨ સુધી ઉદ્ધવ ઠાકરેનાં વડપણ હેઠળની ત્યારની અવિભાજિત શિવસેનાનું શાસન હતુું. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સાથે ઉદ્ધવ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના નિકટના સંબંધો હોવાના આક્ષેપો  થઈ રહ્યા છે. 

મળતિયા સપ્લાયરને ફાયદો થાય તે રીતે ટેન્ડરો જારી થયાં

આ કૌભાંડના મૂળ આરોપ અનુસાર બીએમસી ના અધિકારીઓએ નદીના ગાળ કાઢવાના કરાર માટે ટેન્ડર એવી રીતે તૈયાર કર્યું હતું કે તેનો ફાયદો મશીનરીના ચોક્કસ સપ્લાયરને થયો.આ કૌભાંડને લીધે બીએમસીનેરૃ.૬૫.૫૪  કરોડથી વધુનું નુકસાન થયું છે.

     મેટ્રોપ્રોપ કંપનીના દિપક મોહન અને કિશોર મેનનએ બીએમસીને રૃ.૩.૦૯ કરોડના ખર્ચે મશીનો ઓફર કર્યા હતા. બીએમસીના અધિકારીઓની એક ટીમે કેરળમાં પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીએમસીએ  એવાં સ્પેસીફિકેશન સાથે જ ટેન્ડર જારી કર્યાં હતાં જેથી  આ કામ માટે ફક્ટ મેટપ્રોપ કંપનીના જ મશીનો ખરીદવા કે ભાડે રાખવાની જરુર પડે .

   આ ઉપરાંત તપાસ દરમિયાન અત્યારસુધીમાં કુલ નવ (સમજૂતી કરાર) એમઓયુની ચકાસણી કરવામાં આવીછે. અમૂક એમઓયુ કોન્ટ્રાક્ટરને બદલે અન્ય વ્યક્તિએ સાઇન કર્યા છે. કેટલાક એમઓયુમાં કોન્ટ્રાકટર દ્વારા સહી કરવામાં આવી નથી. અમૂક એમઓયુ પર તારીખ જ નથી.

   કોન્ટ્રાકટર ૧) કંપની એક્યુટ ડિઝાઇન્સ, ૨)કૈલાસ કન્સ્ટ્રકશન કંપની,૩) એન.એ. કન્સ્ટ્રકશન, ૪) નિખિલ કન્સ્ટ્રકશન કંપની, ૫) જે.આર.એશ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ખોટા અને બનાવટી એમઓયુ રજૂ કર્યા હતા.

     બીએમસી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ  કાવતરું રચ્યું અને આ મશીનોનો મહત્તમ ઉપયોગ વધુ પડતા દરે કર્યો હતો.

    અગાઉ, સામાન્ય ડિસિલ્ટિંગનો દર પ્રતિ મેટ્રિક ટન રૃ. ૧,૬૦૯ હતો, પરંતુ આ મશીનો માટે તે વધારીને રૃ. ૨,૧૯૩ પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો. બીએમસીના વિજિલન્સ વિભાગે તે દર સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે અગાઉના દરને મંજૂરી આપવામાં આવી હતી,એમ તેમણે જણાવ્યું હતું. 

    વધુમાં, કોન્ટ્રાક્ટરોએ મુંબઈની બહાર ગાળના પરિવહન માટે બનાવટી બિલો બનાવ્યા હતા,એવો એસઆઈટીએ દાવો કર્યો છે.

અગાઉ સ્ટર્લિંગ બાયોટેક કેસમાં પણ ડિનો પ ર ઈડી  ત્રાટકી હતી

બોલીવૂડ એક્ટર ડિનો મોરિયો ઈડીના સકંજામાં આવ્યો હોય તેવું આ બીજીવાર  બન્યું છે. અગાઉ ૨૦૨૧માં ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક કંપની તથા તેના પ્રમોટર્સ સામે  બેન્કો સાથે કથિત ફ્રોડનો કેસ નોંધાયો હતો. તે વખતે પણ મની લોન્ડરિંગની તપાસમાં ડિનોનું નામ ખુલ્યું હતું. ત્યારે પણ ઈડીએ ડિનોની કેટલીક સંપત્તિઓ જપ્ત કરી હતી.


Tags :