નાલાસોપારાની 41 ગેરકાયદે બિલ્ડિંગોના કેસમાં ઈડીના 13 સ્થળે દરોડા
- તોડી પડાયેલી બિલ્ડિંગ બનાવવામાં કરોડોનું કૌભાંડ
- સીતારા ગુપ્તા, બિલ્ડર અનિલ ગુપ્તા, ભાજપના નેતા વિવેક તિવારી સહિત અન્યોને ત્યાં દરોડાઃ સહકારી બેન્કમાં પણ તપાસ
નાલાસોપારા-ઈસ્ટના અગ્રવાલ નગરીમાં જમીન માફિયાઓએ શાસકીય અને ખાનગી ઇમારતો પર અતિક્રમણ કર્યું હતું અને ૪૧ અનધિકૃત ઇમારતો બનાવી હતી. આ બિલ્ડિગમાં આશરે બે હજાર પરિવારો રહેતાં હતાં. ઈમારતો જમીન દોસ્ત થયા બાદ રહેવાસીઓ બેઘર થઈ ગયા હતા. ઈમારતો તોડી પડાયા બાદ બેઘર રહીશો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને કરી નથી.
આ અનધિકૃત ઇમારતોના બાંધકામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ કેસના મુખ્ય ગુનેગાર અને ભૂતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તા છે. વિધાનસભામાં આ બિલ્ડિંગોનો મુદ્દો ઉઠાવાયા બાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સમગ્ર કૌભાંડની પોતાની તપાસ શરૂ કરી છે. બુધવારે સવારે ઇડી અધિકારીઓએ સીતારામ ગુપ્તાના નાલાસોપારા સંતોષભુવન સ્થિત નિવાસસ્થાન અને અન્ય ૧૩ સ્થળોએ દરોડા પાડયા હતા. આમાં નાલાસોપારાના આંબાવાડીમાં બીજેપીના પદાધિકારી વિવેક તિવારી અને બિલ્ડર અનિલ ગુપ્તાના કાર્યાલયોનો સમાવેશ થાય છે. વસઈ પૂર્વના મધુબનમાં રામ રહીમ એકોર્ડ સોસાયટીમાં ફ્લેટ નંબર ૭૦૧, ૭૦૨ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આંબાવાડીમાં આવેલી અપના સહકારી બેંકમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મ્યુ. અધિકારીઓ પર પણ તવાઈ આવશે
ખાનગી અને સરકારી જમીન પર અતિક્રમણ કરીને ૪૧ અનધિકૃત ઇમારતો બનાવવામાં આવી છે. વિવિધ બિલ્ડરોને જમીન વેચીને ઇમારતો બનાવવામાં આવી છે. આ માટે કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. એથી, આ વ્યવહારમાં નાણાકીય વ્યવહારો કયા બેંક ખાતામાં થયા તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં માલિક અજય શર્માની મુંબઈ સ્થિત ઇડી ઓફિસમાં સાત કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિસિપલ અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે, કારણ કે તેમના પર આ અનધિકૃત ઇમારતોને રક્ષણ આપવાનો આરોપ છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેથી, મ્યુનિસિપલ અધિકારીઓને ટૂંક સમયમાં ઇડી તપાસનો સામનો કરવો પડશે. આ કેસમાં, ૨૦૨૨ માં ૧૨ ઇમારતો સામે અને પછી પચ્ચીસ ઇમારતો સામે એમ કુલ ૩૭ ઇમારતો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
સીસી સહિતના દસ્તાવેજો નકલી હતા
નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા અગ્રવાલ નગરીમાં ૩૦ એકરનો એક મોટો જમીનનો પ્લોટ હતો, જેમાં સર્વે નંબર ૨૨ થી ૩૦ હતા. કેટલાક પ્લોટ ખાનગી હતા અને કેટલાક ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) માટે અનામત હતા. ૨૦૦૬ માં, આ જમીન ભૂતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તા દ્વારા કબજે કરવામાં આવી હતી અને આ અનધિકૃત ઇમારતો નકલી બાંધકામ પરમિટ (સીસી) અને ઓક્યુપન્સી સટફિકેટ (ઓસી) અને અન્ય દસ્તાવેજોની મદદથી જમીન પર બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨ની વચ્ચે, અહીં ૪૧ અનધિકૃત ઇમારતો ઉભી કરવામાં આવી હતી. જમીન માલિક અજય શર્માએ આ વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કર્યા બાદ કોર્ટે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.