પીએનબી ફ્રોડ કેસમાં કાર્યવાહી આગળ ચાલી
મુંબઈ, કોલકત્તા અને સુરતની 310 કરોડની પ્રોપર્ટી ગીતાંજલિ જેમ્સના લિક્વિડેટરને સોંપાઈ
મુંબઈ - પંજાબ નેશનલ બેંક (પીએનબી) ફ્રોડ કેસના આરોપી મેહુલ ચોક્સીના ચાર ફ્લેટ્સ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) લિક્વિડેટરને સોંપ્યા છે. ચોક્સી અને અન્યો સામેની કાર્યવાહીમાં કેટલીક મિલકતો પર ટાંચ મૂકવામાં આવી હતી.
ચોક્સીએ અન્ય એસોસિયેટ્સ અને બેંક અધિકારીઓ સાથે કથિત રીતે મળીને બોગસ એલઓયુ (લેટર્સ ઓફ અંડરટેકિંગ) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટનો ઉપયોગ કરીને ધીરાણ મેળવ્યું હતું અને પીએનબીને રૃ. ૬૦૯૭.૬૩ કરોડની ખોટ ગઈ હતી તેવું ઈડીએ કહ્યું હતું.
ઈડીએ સોમવારે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું કે 'ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસે ચાર ફ્લેટ વેચાણ માટે લિક્વિડેટરને સોંપ્યા છે અને જેનો ધીરાણ આપનારાઓને અને અન્ય દાવેદારોને લાભ મળશે.' મુંબઈ, કોલકોતા અને સુરત ખાતેની ચળ/અમળ સંપત્તિ જેનું મૂલ્ય રૃ. ૩૧૦ કરોડ છે, જે મેસર્સ ગીતાંજલિ જેમ્સ લિમિટેડના લિક્વિડેટરને સોંપવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન એન્જસીએ દેશમાંના ૧૩૬થી વધુ લોકેશન્સ પર સર્ચ અભિયાન હાથ ધર્યું હતું અને આભૂષણો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ કબ્જે કરી હતી જેનું મૂલ્ય રૃ. ૫૯૭.૭૫ કરોડ હતું. કુલ ૨૫૬૫.૯૦ કરોડ મૂલ્યના એસેટ્સ કબ્જે કરાયા હતા અથવા ટાંચ મૂકવામાં આવી હતી.
જે એસેટ્સ પર ટાંચ મૂકવામાં આવી છે તેનું લિક્વિડેશન ઝડપભેર કરવા ઈડી બેંક સાથે સંયુક્ત રીતે મળીને કાર્યવાહી કરી રહી છ ે. મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ જપ્ત કરાયેલી અથવા ટાંચ મૂકાયેલા મિલ્કતોનું વેલ્યુએશન અને હરાજીમાં ઈડી બેંકોને લિક્વિડેટર્સને મદદ કરશે અને ઓક્શન પછી મળેલી રકમની એફડી પીએનબી/આઇસીઆઇસીઆઇમાં રાખવાની રહેશે.
દરમિયાન ચોક્સી સામેની કાર્યવાહી બેલ્જિયમમાં ચાલી રહી છે. ભારતની વિનંતીને એન્ટવર્પ કોર્ટે ઓફ અપીલે માન્ય રાખી હતી તેને ચોક્સીએ બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. જેની સુનાવણી નવમી ડિસેમ્બરે થશે.


