ઈડીએ કાર્યવાહી કરતા 48 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી
મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કૌભાંડ
આરોપીઓના બેંક ખાતા, ફિક્સ ડિપોઝીટ અને ડિમેટ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા
મુંબઈ - મીઠી નદીમાં ગાળ દૂર કરવાના કોન્ટ્રાક્ટમાં રુ. ૬૫ કરોડના કથિત કૌભાંડના સંદર્ભમાં ઈડીએ મુંબઈના આઠ સ્થળોએ દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં ઈડીએ રુ. ૪૭ કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે. આમાં બેંક ખાતા, ફિક્સ ડિપોઝિટ અને ડીમેટ ખાતાનો સમાવેશ થાય છે.
મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ ૩૧ જૂલાઈના રોજ હાથ ધરવામાં આવેલા દરોડા, મુંબઈ મહાપાલિકા કોન્ટ્રાક્ટરો, મેસર્સ એક્યુટ ડિઝાઈન્સ, મેસર્સ કૈલાશ કન્સ્ટ્રકશન કંપની, મેસર્સ નિખિલ કન્સ્ટ્રકશન કંપની, મેસર્સ એનએ કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ જેઆરએસ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પાલિકાના ડેપ્યુટી ચીફ એન્જિનિયર પ્રશાંત કૃષ્ણ (નિવૃત્ત) સાથે જોડાયેલા પરિસરમાં પાડવામાં આવ્યા હતા.
આ કેસમાં અત્યાર સુધીમા રુ. ૪૯.૮૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ઈડી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મહિતી અનુસાર, દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો, ડિજીટલ ઉપકરણો અને શંકાસ્પદ રિયલ એસ્ટેટ વ્યવહારોના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
મુંબઈ મહાપાલિકાને ૬૫ કરોડનાથી વધુનું કૌભાંડના સંદર્ભમાં ઉપરોક્ત સહિત ૧૩ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જો કે, તપાસ દરમિયાન ઈડીએ મળેલી માહિતી અનુસાર, મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કોન્ટ્રાક્ટ માટેના ટેન્ડરમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી. ઈડીના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરોએ આ સંદર્ભે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. એવો આરોપ છે કે આમાં સમજૂતી પત્ર અને નકલી નો ઓબ્જેકશન સર્ટિફિકેટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એવો પણ આરોપ છે કે મહાપાલિકાના કેટલાક અધિકારીઓએ વ્યક્તિગત નાણાંકીય લાભ માટે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
ખાસ કરીને પસંદગીના કોન્ટ્રાકટરોને લાભ પહોંચાડવા માટે ૨૦૨૧-૨૨ના ટેન્ડરોમાં સિલ્ટ પુશર્સ અને મલ્ટીપર્પઝ એમ્ફિબિયસ પોન્ટૂન મસીનો જેવી મોંધી મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અગાઉ ઈડીએ ૬ જૂને આ કેસમાં ૧૮ સ્થળોએ દરોડા પાડયા હતા. ત્યારબાદ અભિનેતા ડીનો મોરિયા અને તેના ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી.