બિટકોઈન કૌભાંડમાં ઈડી દ્વારા રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ
કુંદ્રા પાસે ૧૫૦ કરોડ રૃપિયાના ૨૮૫ બિટકોઈન હોવાનો દાવો
ભંડોળના મૂળને છુપાવવા અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટી સાથે બજાર દરથી ઘણા ઓછા ભાવે વ્યવહાર કર્યાનો દાવો
મુંબઈ - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ બિટકોઈન 'કૌભાંડ'માં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કુંદ્રાએ કરેલા દાવા મુજબ વ્યવહારોમાં તેઓ માત્ર 'મધ્યસ્થીકાર' જ નહીં, પરંતુ લાભાર્થીમાલિક પણ હતા.
ઈડીના કહેવા મુજબ કુન્દ્રા પાસે ૨૮૫ બિટકોઈન છે, જેની કિંમત હાલમાં રૃ. ૧૫૦.૪૭ કરોડ છે જે ક્રિપ્ટો-કૌભાંડના માસ્ટરમાઇન્ડ દિવંગત અમિત ભારદ્વાજ પાસેથી મળ્યા હતા.
આ ચાર્જશીટ તાજેતરમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી.
કુંદ્રાએ જાણી જોઈને બિટકોઈન વોલેટ સરનામાં વગેરે સહિતના મહત્વપૂર્ણ પુરાવા છુપાવ્યા છે અને ભારદ્વાજ પાસેથી મળેલા બિટકોઈન સોંપવામાં નિષ્ફળ રહ્યા છે, એમ તેમાં જણાવાયું છે.
તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે કુન્દ્રા ગુનામાંથી મળેલી રકમ (બિટકોઈન)નો કબજો અને આનંદ માણતા રહ્યા.
વધુમાં, ઈડીએ જણાવ્યું હતું કે તેણે ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલા આવા ભંડોળના મૂળને છુપાવવા માટે તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટી સાથે બજાર દરથી ઘણા ઓછા ભાવે 'સાચો વ્યવહાર' કર્યો હતો.
આમ, તેમણે ગુનાની રકમને છુપાવીને પીએમએલએ હેઠળની કાર્યવાહીને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યોે અને તેને નિર્દોષ તરીકે રજૂ કર્યો હોવાનો ઈડીએચાર્જશીટમાં દાવો કર્યો છે.
આ મની લોન્ડરિંગ કેસ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસે વેરીએબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની, દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ સામે નોંધાવેલી એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો છે.
ઈડીના જણાવ્યા મુજબ, બિટકોઈનનો ઉપયોગ ખાણકામ માટે થવાનો હતો અને રોકાણકારોને ક્રિપ્ટો સંપત્તિમાં જંગી વળતર મળવાનું હતું, પરંતુ પ્રમોટરોએ તેમને છેતરપિંડી કરી અને ખોટી રીતે મેળવેલા બિટકોઈનને અસ્પષ્ટ ઓનલાઈન વોલેટમાં છુપાવી રહ્યા છે.
એજન્સીનો આરોપ છે કે કુન્દ્રાએ ગેઇન બિટકોઇન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી યુક્રેનમાં બિટકોઇન માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે ૨૮૫ બિટકોઇન મેળવ્યા હતા.
ઈડીએ દાવો કર્યો છે કે સોદો સાકાર ન થયો હોવાથી કુન્દ્રા પાસે હજુ પણ ૨૮૫ બિટકોઈન છે જેની કિંમત હાલમાં ૧૫૦ કરોડ રૃપિયાથી વધુ છે.
ચાર્જશીટમાં જણાવાયું છે કે કુન્દ્રાએ ઉપરોક્ત વ્યવહારમાં મધ્યસ્થી તરીકે કામ કરવાનો દાવો કર્યો હતો પરંતુ તે સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજી પુરાવા પૂરા પાડયા ન હતા.
તેનાથી વિપરીત ટર્મ શીટ નામનો કરાર તેમની અને મહેન્દ્ર ભારદ્વાજ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો, એમ તેમાં જણાવાયું છે.
આમ, એ વાત કહી શકાય કે કરાર ખરેખર રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ (તેમના પિતા મહેન્દ્ર ભારદ્વાજ) વચ્ચે થયો હતો અને કુન્દ્રાએ આપેલી દલીલ કે તેમણે માત્ર મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું તે માન્ય નથી,એમ ચાર્જશીટમાં જણાવાયું છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ૨૦૧૮ થી અનેક તકો હોવા છતાં, કુન્દ્રા સતત તે વોલેટ સરનામાં આપવામાં નિષ્ફળ રહ્યા છે જ્યાં ૨૮૫ બિટકોઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તેમણે પોતાના શરૃઆતના નિવેદન પછી તરત જ પોતાના આઈફોન એક્સને થયેલા નુકસાનને ગુમ થયેલી માહિતીનું કારણ ગણાવ્યું, જેને ઈડીએ પુરાવાનો નાશ કરવા અને ગુનાની આવક છુપાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસ તરીકે જોયું. કુન્દ્રા ઉપરાંત, ચાર્જશીટમાં નામ આપવામાં આવેલ અન્ય વ્યક્તિ ઉદ્યોગપતિ રાજેશ સતીજાનો સમાવેશ છે.