5000 કરોડના પેન કલબ કૌભાંડ સંબંધિત 30 વિદેશી સંપત્તિ ઈડી દ્વારા ટાંચમાં
દેશભરના ૫૧ લાખ રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હતી
થાઈલેન્ડની ૨૨, યુએઈની છ એને અમેરિકાની બે સંપત્તિ જપ્ત,અગાઉ સવિસ્તર ચાર્જશીટ થઈ ચૂકી છે
મુંબઇ - 51 લાખ રોકાણકારો સાથે પાંચ હજાર કરોડની છેતરપિંડીના હાઇ પ્રોફાઇલ પેનકાર્ડ કલબ ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે સ્વ. સુધીર મોરાવેકર અને મુંબઇ સ્થિત પેનોરામિક યુનિવર્સલ લિમિટેડ (પીયુએલ) સાથે જોડાયેલ ૩૦ વિદેશી સંપતિ ટાંચમાં લીધી હતી. થાઈલેન્ડની ૨૨, યુએઈની છ અને યુએસની બે સંપત્તિઓની કિંમત આશરે ૫૪.૩૨ કરોડ હોવાનું જણાવાયું છે. ૫૧
મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ આઇપીસીની વિવિધ કલમો હેઠળ દાખલ કરેલ એફઆઇઆરના આધારે ઇડીએ આ બાબતે તપાસ શરૃ કરી હતી. ૧૯૯૭થી ૨૦૧૭ દરમિયાન પેનકાર્ડ લિમિટેડ (પીસીએલ) દ્વારા દેશભરના અંદાજે ૫૧ લાખ રોકાણકારો પાસેથી રોકાણ મેળવી લઈ તેનું કોઈ વળતર નહિ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ પ્રકરણે પીસીએલ, પીયુએલ અને અન્ય ૪૪ સંબંધિત કંપનીઓ સહિત છ ડાયરેકટર અને પાંચ માર્કેટિંગ એજન્ટોની સામે આ પહેલાં સવિસ્તર ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આઇપીસી અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (નાણાકીય સંસ્થાઓમાં) અધિનિયમ, ૧૯૯૯ હેઠળ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ઇડીની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે ગુના દ્વારા મેળવાયેલી અંદાજે ૯૯ કરોડ રૃપિયાની રકમ પીસીએલમાંથી પીયુએલમાં વાળવામાં આવી હતી. આ ઉપરાંત મૃત આરોપી સુધીર મોરાવેકરના કુટુંબના સદસ્યોના વ્યક્તિગત ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ૨૦૦૨માં પીયુએલએ ઓવરસીઝ ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ (ઓડીઆઇ) થકી ન્યુઝીલેન્ડની એક હોટલ ખરીદી કરી હોવાના રિપોર્ટ છે. ત્યારબાદ આ સંપતિ વેચી નાખવામાં આવી હતી. આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) કે સંબંધિત બેન્કોને કોઇ જાણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત આ લોકોને કોઇ પ્રકારની જાણ કર્યા વગર ન્યુઝીલેન્ડની પેટા કંપની બંધ કરવામાં આવી હતી.
ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૨થી ૨૦૧૪ દરમિયાન યુએસએ, યુએએઇ, થાઈલેન્ડ અને સિંગાપોરમાં ઓડીઆઇ આધારિત રોકાણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૦ કરોડ રૃપિયાનું રેમિટન્સ થયું હતું. આ રોકાણમાં વિદેશની પેટા કંપની હેઠળ અનેક વિદેશી સંપતિઓ હસ્તગત કરવામાં આવી હતી. એવું પણ બહાર આવ્યું છે કે સ્વ. સુધીર મોરાવેકરના બન્ને પુત્રો યુએસએ અને યુએઇમાંથી તેમની કેટલીક સંપતિઓ વેચવાની યોજના બનાવી રહ્યા હતા. આ બાબતે ઇડીની વધુ તપાસ ચાલી રહી છે.