પાર્થ પવારની કંપની સંબંધિત પુણે જમીન સોદો
દસ્તાવેજો જમા કરવા બાબતમાં વિગતો આપવાનો ઇનકાર
મુંબઇ - મહારાષ્ટ્ર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની સાથે થયેલા પુણેના મુંઢવા જમીન સોદા કેસમાં ધરપકડ કરાયેલી આરોપી શિતલ તેજવાનીના નિવાસ સ્થાનો પર આર્થિક ગુના શાખાએ દરોડા પાડયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાં તેજવાનીના નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મુંઢવામાં ૪૦ એકર સરકારી જમીન માટે પાવર ઓફ એટર્ની ધરાવતી તેજવાનીએ આમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને રૃા.૩૦૦ કરોડમાં વેંચી હતી. આ કંપનીમાં પાર્થ પવાર ભાગીદાર છે. આરોપી શિતલ તેજવાનીની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૧૧ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.
આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે અમે પિંપરી-ચિંચવડ અને કોરેગાંવ પાર્કમાં તેજવાનીના બે નિવાસસ્થાનો પર દરોડા પાડયા હતા. તેમણે દસ્તાવેજો જમા કરવા બાબતે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે ૪૦ એકર જમીન ૧૯૫૫ થી મુંબઇ સરકારના નામે નોંધાયેલી છે. આ તે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાને લીઝ પર આપવામાં આવી છે.
જમીન સરકારની છે તે જાણતા હોવા છતાં ૨૭૨ વતનદારો વતી કાર્ય કરતી તેજવાનીએ તત્કાલીન મહેસૂલ મંત્રી સમક્ષ જમીન ફરીથી મેળવવા માટે અરજી રજૂ કરી હતી આ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે બોમ્બે હાઇકોર્ટને સંપર્ક કર્યો હતો. ત્યાં પણ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ફરિયાદ પક્ષે એમ જણાવ્યું હતું.
કોઇ પણ રેગ્યુલેટરી ઓર્ડર ન હોવા છતાં જેતવાનીએ કથિત રીતે અમાડિયા એન્ટર પ્રાઇઝિસ એલએલપીને ભાગીદાર દિગ્વિજય પાટીલ સાથે સાઠગાઠ કરી અને રૃા.૩૦૦ કરોડમાં વેચાણ કરાર કર્યા હતા આમ સરકાર સામે છેતરપીંડી કરવામાં આવી હતી, એમ ફરિયાદ પક્ષે કોર્ટમાં કહ્યુ ંહતું.
વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે સસ્પેન્ડ કરાયેલા તહસીલદાર સૂર્યકાંત યેઉલેએ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાને એક પત્ર જારી કર્યો હતો. જેમાં જમીન અમાડિયાને વેચવામાં આવી હોવાના આધારે જગ્યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ કરવાની જરૃર છે કે શું તેજવાનીને રૃા.૩૦૦ કરોડ મળ્યા હતા અને પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, એમ ફરિયાદ પક્ષે કહ્યું હતું.


