આર્થિક ગુના શાખાએ લખનઉથી ભાગેડુ બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરની ધરપકડ કરી

ન્યૂ ઈન્ડિયા કો.ઓપ. બેન્કમાં ઉચાપત
ઝારખંડના રહેવાસીને રૃ.૩.૫ કરોડ મળ્યા હતા
મુંબઈ - રૃ.૧૨૨ કરોડના ન્યૂ ઈન્ડિયન કો. ઓપરેટીવ બેન્કના ઉચાપત કેસમાં મુંબઈ પોલીસે શનિવારે લખનઉથી ૪૭ વર્ષીય બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરની ધરપકડ કરી હતી, તેના પર રૃ.૩.૫ કરોડ મેળવવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી નવ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે 'આ કેસમાં ફરાર છ આરોપીઓમાંથી એક પવન અમરસિંહ જયસ્પાલની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ ધરપકડ કરી હતી. મૂળ ઝારખંડના રહેવાસી જયસ્વાલ પર કુલ રકમમાંથી રૃ.૩.૫ કરોડ મેળવવાનો આરોપ છે.
આર્થિક ગુના શાખાને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી લખનઉમાં રહે છે. આથી ઉત્તર પ્રદેશમાં ગોમતીનગર નજીક એક ટીમ મોકલવામાં આવી હતી. છેવટે જયસ્વાલની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ હતી. તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે ૭ જુલાઈ સુધી તેના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.
આર્થિક ગુના શાખાની તપાસ મુજબ મુંબઈમાં બેન્કની પ્રભાદેવી અને ગોરેગાંવ ઓફિસની તિજોરીમાંથી રૃ.૧૨૨ કરોડની ઉચાપત કરવામાં આવી હતી. એજન્સીએ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેમની પત્ની ગૌરી ભાનુ સહિત ૧૦ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. બંનેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.








