Mumbai

ફર્નિચરની આયાતમાં 30 કરોડની ડયુટી ચોરીઃ 3ની ધરપકડ

By GS TEAM
24 Jul 20252 mins read
ફર્નિચરની આયાતમાં 30 કરોડની  ડયુટી ચોરીઃ 3ની ધરપકડ

નકલી ઈનવોઈસ અને  નકલી ઈમેઈલ આઈડીનો ઉપયોગ

માલની કિંમત વાસ્તવિક બજાર કિંમત કરતા દસમા ભાગની દર્શાવી છેતરપિંડી આચરતા હતા 

મુંબઇ  -  ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ હાઇ-એન્ડ ઇટાલિયન લકઝરી ફર્નિચરની આયાતમાં ૩૦ કરોડ રૃપિયાની ડયુટી ચોરીનો પર્દાફાશ કરી ત્રણ વ્યક્તિની  ધરપકડ કરી છે. આ ત્રણેય પર રોલ કંપનીઓ અને ડમ્મી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ (આઇઇસી)ના ઉપયોગ કરીને પોલ્ટ્રોના ફાઉ ડિ-ટ્રે, ઇટાલિયા, ફેન્ડી, મિન્નટી જિયોર્જેટી અને અન્ય બ્રાન્ડ્સના ઉચ્ચ કક્ષાના ફર્નિચર આયાત કરવાનો આરોપ છે.

 ડીઆરઆઇ અનુસાર આ કંપનીઓએ માલની કિંમત તેમની વાસ્તવિક બજાર કિંમત કરતા દસમાં ભાગની જાહેર કરી છેતર પિંડી આચરી હતી. આ ઉપરાંત સાચી કિંમત અને બ્રાન્ડ્સને  છૂપાવવા માટે દુબઇ અને હોંગકોંગની શેલ કંપનીઓ પાસેથી અંડર-ઇન્વોઇસ્ટ પ્રોફોર્મા ઇન્વોઇસ જારી  કરવા માટે નકલી ઇન્વોઇસ અને બનાવટી જીમેલ આઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે ડીઆરઆઇના જણાવ્યા અનુસાર તેમને ગુપ્ત માહિતી મળી હતી કે બ્રાન્ડેડ લકઝરી ફર્નિચરની આયાત ખૂબ જ ઓછી કિંમતે કરી  કસ્ટમ ડયુટીની ચોરી કરવામાં આવતી હતી. ઉપરોક્ત ગુપ્ત માહિતી અને પ્રારંભિક  વિશ્લેષણના આધારે ડીઆરઆઇએ વિવિધ સ્થળોએ છાપા માર્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ડીઆરઆઇએ ખરેખર આયાત કરવામાં આવેલ વસ્તુઓની વિગતો મેળવી પુરાવા એકઠા કર્યા હતા. જેમાં કસ્ટમ ડયુટી ટાળવા અને બ્રાન્ડેડ લકઝરી ફર્નિચરને આયાત કરવા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ (આઇઇસી)નો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

ડીઆરઆઇએ પાડેલા દરોડા અને  ખરેખર આયાત કરેલી વસ્તુઓનું નિરીક્ષણ કરતા  ઘણી અનિયમિતતા મળી આવી હતી.

આ કેસની તપાસ દરમિયાન વિવિધ વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા જેમાં ઓશિવરામાં રહેતા એક વેપારી અને બોરીવલી તેમજ નવી મુંબઇના કલંબોલીમાં રહેતા બે જણની ભૂમિકા બહાર આવતા આ ત્રણેયની મંગળવારે ધરપકડ કરી હતી.