Mumbai

ગોવંડીમાં ડમ્પરે ચારને કચડી નાખ્યાઃ ડ્રાઈવરની ધરપકડ

By GS TEAM
15 Jun 20252 mins read
ગોવંડીમાં ડમ્પરે ચારને કચડી નાખ્યાઃ ડ્રાઈવરની ધરપકડ

રોષે ભરાયેલા સોંકડો લોકોનું રસ્તા રોકો આંદોલન 

ડમ્પરની તોડફોડ કરવામાં અવાતાં તંગદિલી ફેલાતાં પોલીસનો લાઠીચાર્જ

મુંબઈ: ગોવંડી નજીક આજે ડમ્પર ડ્રાઈવરે બેફામપણે વાહન દોડાવીને ટુવ્હીલરને અડફેટમાં લેતા ચાર જણ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ભીષણ અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ આંદોલન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિફરેલા લોકોએ રસ્તારોકો અને ડમ્પરની તોડફોડ કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી. અંતે પોલીસને ભીડને વિખેરવા  માટે હળવો લાઠીચાર્જ કરવો પડયો હોવાનું કહેવાય છે. પોલીસે જડબેસલાખ બંદોબસ્ત ગોઠવી લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘાટકોપર- માનખુર્દ લિંક રોડ પર ગોવંડી નજીક લોટસ જંકશન પાસે આજે બપોરે ડમ્પરના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક વાહન દોડાવીને ટુ-વ્હીલર અને લોકોને અડફેટમાં લીધા હતા. ડમ્પર નીચે કચડાઈ જતા ચારના મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો જમા થઈ ગયા હતા. સ્થાનિક નાગરિકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. ટોળાએ રસ્તા પર ધરણા કર્યા હતા. ડમ્પરના કાચ તોડી નાખ્યા હતા. ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

રસ્તા રોકો આંદોલનના લીધે બંને દિશામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. તેઓ પોલીસની વાત સાંભળવા તૈયાર નહોતા. છેવટે પોલીસે ભીડને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી બાદ બંને દિશામાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. આ સિવાય ઘટનાસ્થળે ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે અનધિકૃત પાર્કિંગને કારણે પણ આ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે.