કબૂતરોને લીધે દુનિયામા કોઈ મૃત્યુ નથી થયા, પરંતુ ફટાકડાથી ઘણું પ્રદૂષણ વધે છેઃ મેનકા ગાંધી

દાદર સહિત ૫૭ કબૂતરખાના પર પ્રતિબંધને પગલે રાજકીય હોબાળો
સમિતિનો અહેવાલ આવ્યા બાદ શહેરમાં ફરી કબૂતરખાના ખોલ વામાં આવશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો
મુંબઇ - કબૂતરોને ખવડાવવામાં આવતા ચણ તેમજ તેના વિષ્ટાને પગલે લોકોના સ્વાથ્ય સામે જોખમોને ધ્યાનમાં રાખીને મુંબઇ મહાનગર પાલિકાએ મુંબઇના દાદર સહિત કબૂતરખાનામાં કબૂતરોને ખવડાવવા પ્રતિબંધ મૂકવા બાબતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા મેનકા ગાંધીએ કહ્યું કે કબૂતરોએ કોઇને નુકસાન પહોંચાડયું નથી. ઉલ્ટાનું ફટાકડાથી પ્રદૂષણમાં વધારો થાય છે. આથી શહેરમાં ફરી કબૂતરખાના ખોલવામાં આવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે સંવાદ સાધતા મેનકા ગાંધીએ કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાના અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે અને તેનો રિપોર્ટ આવ્યા પછી કબૂતરખાના ફરી ખોલવામાં આવશે. એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુંબઇ મહાનગર પાલિકાએ ગયા મહિને કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને શહેરમાં કેટલાક જૂના કબૂતરખાનાઓને જાહેર આરોગ્ય માટે જોખમી ગણાવીને કરી દીધા હતા.
પરંતુ ભારતનો પાયો કરુણા પર છે. તે જીવવો અને બીજાને જીવવા દેવા પર છે. કબૂતરોના કારણે કોઇનું મૃત્યુ થયું હોય તેવું કોઇએ ઉદાહરણ નથી. કબૂતરોએ કોઇને નુકસાન પહોંચાડયું નથી, એમ મેનકા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું. જો કબૂતરોને રોગ ફેલાવવા માટે મારી નાંખવામાં આવતાં હોય તો ફટાકડા તો અનેકગણા પ્રદૂષણ ફેલાવવા માટે કારણભૂત બને છે. ભગવાન રામ અને સીતાના સમયમાં ફટાકડા અસ્તિત્વમાં નહોતા. લોકો દીવા પ્રગટાવતા અને ભોજન વહેંચતા હતા. ફટાકડા ફોડવાથી તેનાથી ફેલાતા ધૂમાડાથી લોકો શ્વાસ લઇ શકતા નથી, એમ ભાજપના નેતાએ કહ્યું હતું.








