દારુના નશામાં ધમકી, લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ થશે
- બિહારથી આવેલો અને જૂહુમાં રહેતો યુવક ઝડપાયો
મુંબઈની લોકલમાં સિરિયલ બોમ્બબ્લાસ્ટની ધમકીનો એક ધમકીભર્યો ફોન મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ કોલને ગંભીરતાપૂર્વક લઈ સુરક્ષા યંત્રણાને એલર્ટ મોડ પર મૂકી વધુ તપાસ આદરી હતી. પોલીસે તપાસને અંતે જુહુથી ૨૫ વર્ષના એક યુવકને તાબામાં લઈ વધુ પૂછપરછ આદરી હતી. આ બાબતની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આરોપી યુવકે દારૂના નશામાં પોલીસ કન્ટ્રલ રૂમમાં આ ફોન કર્યો હતો. આરોપી યુવક દસ દિવસ પહેલા જ બિહારથી મુંબઈમાં આવીને રહેતો હતો.
પોલીસ કન્ટ્રોલ રુમને ફોન મળતાં દોડધામઃ ધમકીના કોલ રુટિન બની ગયા
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને આજે સવારે એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બસ્ફોટ થસે તેવી ધમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ પોલીસે તમામ યંત્રણાઓને આ બાબતની જાણ કરી સુરક્ષા વધારી દીધી હતી. આ સમયે ફોન રીસિવ કરનાર મહિલા અધિકારીએ ફોન કરનાર પાસેથી વધુ વિગત મેળવવાના આશયથી તેને પ્રશ્નો કર્યા હતા, પણ તેણે કોઈ પ્રશ્નનો જવાબ ન આપતા ફોન કાપી નાઘ્યો હતો.
દરમિયાન પોલીસે આ બાબતે વધુ તપાસ કરતા આ ફોન જુહુથી આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે વધુ તપાસ કરતા આ ફોન પછીથી 'સ્વીચ ઓફ્ફ' થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ પોલીસે તરત જ આ બાબતે વધુ તપાસ આદરી ૨૫ વર્ષનો એક યુવાનને જુહુથી પકડી પાડયો હતો. પોલીસે વધુ તપાસ કરતા આ વ્યક્તિ દસ દિવસ પહેલા બિહારથી આવી મુંબઈમાં રહેતો હોવાનું જણાયું હતું.. પોલીસે યુવાનના ફોન જપ્ત કરી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે. આ વ્યક્તિ દારૂડિયો હોઈ તેણે દારૂના નશામાં ધમકી આપી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.