Get The App

ચૂંટણી રિઝલ્ટના દિવસ માટે અત્યારથી ઢોલ- નગારાનો બંદોબસ્ત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી રિઝલ્ટના દિવસ માટે અત્યારથી ઢોલ- નગારાનો બંદોબસ્ત 1 - image

ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો ઘાટ

જીતનો વિશ્વાસ છે એવા ઉમેદવારોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું, હારશે તેઓ લોકોને  પૈસા પાછા નહિ આપવાની બોલી

મુંબઇ -  મુંબઇ મહાનગરપાલિકાની ૧૫મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને બીજે  દિવસે મતગણતરી થવાની હોવાથી અત્યારથી રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ અત્યારથી જ ઢોલ-તાશા નગારા અને બેન્ડ- વાજાનો બંદોબસ્ત કર્યો છે. જો કે ઘણી જગ્યાએ એવી પણ બોલી કરવામાં આવી છે કે ઉમેદવાર જીતશે તો વધુ પૈસા ચૂકવાશે અને હારશે તો એડવાન્સ બુકિંગની રકમથી જ સંતોષ માનવો પડશે.

દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ ઢોલવાદકોના પથક, બેન્ડવાળા તેમ જ ચાર- ચાર પાંચ- પાંચની ટીમમાં ઢોલ- તાશા વગાડવાળાની જબરી ડિમાન્ડ  છે.

કાંદિવલીના એક બેન્ડના સંચાલકે જણાવ્યું હતું કે ઉમેદવારી નોંધાવવા જતી વખતે ઘણાં ઉમેદવારો વાજતેગાજતે નીકળતા હોય છે. એટલે નામાંકનને દિવસે અમારી ચાર- ચાર મેમ્બરની ટીમે બે-અઢી કલાક માટે ૬ હજાર રૃપિયા વસૂલ કર્યા હતા. જ્યારે ચૂંટણી રિઝલ્ટ માટે અમે બમણો ચાર્જ એટલે ૧૦થી ૧૨ હજાર વસૂલ કરશું. ઉપરાંત વધુ મોટી સંખ્યામાં વાદકો સાથે સંપૂર્ણ મતદારસંઘધમાં વિજય સરઘસ સાથે ફરવા માટે ૪૦થી ૪૫ હજાર મળશે. જીતેલા ઉમેદવારો ખુશીથી આ રકમ ચૂકવે છે.

મલાડના એક ઢોલ- પથકના માલિકે જણાવ્યું હતું કે અત્યારે ઢોલ- તાશા માટે પૂરજોશમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે, પરંતુ અમે ચાર- પાંચ બુકિંગ સ્વીકાર્યા છે. કારણ કે જો ઉમેદવાર હારી જાય તો એડવાન્સ પૈસા લીધા હોય તેમાંથી જ સંતોષ માનવો પડે. કારણ કે ઢોલ- તાશા વગાડતા કલાકારોને એડવાન્સ પૈસા ચૂકવીને રોકવા પડતા હોય છે.

એક ઢોલ પથકના સંચાલકે કહ્યું હતું કે અમારો વર્ષોનો અનુભવ છે કે ઘણી વખત રિઝલ્ટ જાહેર થયા પછી ઢોલ- તાશા વગાડવાવાળાને મોં માગ્યા પૈસા આપીને વિજેતા ઉમેદવારોના ટેકેદારો વિજય સરઘસ અથવા તો જીતના જશ્ન માટે લઇ જતા હોય છે.