Get The App

8મી એપ્રિલે ચાલકો દ્વારા મોરચોઃ માર્ગો પર રિક્ષાઓ ઘટશે

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
8મી એપ્રિલે  ચાલકો   દ્વારા મોરચોઃ માર્ગો પર રિક્ષાઓ ઘટશે 1 - image

સ્ટેશનો પર પહોંચવા રિક્ષાનો ઉપયોગ કરનારાને હાલાકી થશે

યુનિયનોને વિશ્વાસમાં લીધા વિના  લદાયેલી ફરજિયાત ૮૦૦ રુપિયા વેલ્ફેર ફી ભારરુપ ગણાવી આરટીઓ કચેરીએ મોરચો લઈ જવાશે

મુંબઇ -  મહારાષ્ટ્રભરમાં, ખાસ કરીને મુંબઈમાં, ઓટો-રિક્શા ચાલકો દ્વારા ૮ એપ્રિલે પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ) સુધી મોરચો કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આથી એ દિવસે રિક્ષા વિના પ્રવાસીઓએ અન્ય પરિવહનના સાધનોથી પ્રવાસ કરવો પડે તેવી શક્યતા છે. વિવિધ ઓટો યુનિયને આ આંદોલનનું આહ્વાન કર્યું છે. ચાલકોનો આક્ષેપ છે કે નવી વેલ્ફેર બોર્ડ યોજના હેઠળ તેમને ફરજિયાત નોંધણી કરવા અને ફી ચૂકવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જે તેમના માટે આથક રીતે ભારરૃપ છે.

એક અહેવાલ મુજબ, વિવાદનું મુખ્ય કારણ ફીનું માળખું છે, જેને ચાલકો  વેલ્ફેર કરતાં વધુ ભારરૃપ ગણાવી રહ્યા છે. રાજ્યની ડ્રાઈવર કલ્યાણ યોજના, જે લગભગ એક વર્ષ પહેલા શરૃ કરવામાં આવી હતી, તેમાં જોડાવવા માટે દરેક ડ્રાઈવરને રૃ. ૫૦૦ નોંધણી ફી અને રૃ. ૩૦૦ વાષક ફી ચૂકવવી પડે છે, એટલે કે શરૃઆતમાં કુલ રૃ. ૮૦૦ ચૂકવવાના થાય છે.

સંઘના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, જે ચાલકો નોંધણી કરતા નથી, તેમની પરમિટ રિન્યૂઅલ અને વાહન સંબંધિત પ્રક્રિયાઓ અટકાવવામાં આવી રહી છે. આ યોજના મુખ્ય સંઘો સાથે યોગ્ય ચર્ચા કર્યા વગર લાગુ કરવામાં આવી હોવાના કારણે ચાલકોમાં અસંતોષ વ્યાપ્યો છે. મુંબઈમાં ખાસ કરીને ઉપનગરીય વિસ્તારોની આરટીઓ પર મોટી સંખ્યામાં ચાલકો ભેગા થવાની શક્યતા છે, જેના કારણે મુસાફરોના દૈનિક પ્રવાસ પર અસર પડી શકે છે.

ડ્રાઈવર સંગઠનોએ ચેતવણી આપી છે કે, તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે. ફરજિયાત ફી રદ કરવી અને તમામ હિતધારકો સાથે ચર્ચા કરવાની તેમની મુખ્ય માંગ છે. ૮ એપ્રિલનું આ આંદોલન ઓટો-રિક્શા ચાલકોની વધતી નારાજગી અને તેમના જીવનનિર્વાહને અસર કરતી નીતિઓ સામેનો મહત્વપૂર્ણ વિરોધ માનવામાં આવે છે.