નવી મુંબઈ રોડ રેજ કેસમાં ધુળેથી પૂજા ખેડકરના પિતાના ડ્રાઇવરની ધરપકડ

એક કોંક્રિટ મિક્સર ટ્રક લેન્ડ ક્રુઝર કાર સાથે અકસ્માતનો કેસ
માતા મનોરમા ખેડકરે નિવાસસ્થાનના સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યાનો દાવો
મુંબઈ - નવી મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે રોડ રેજની ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરવાના સંદર્ભમાં ભૂતપૂર્વ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકરના પિતાના ડ્રાઇવરની ધરપકડ કરી છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર પંકજ દહાણેએ જણાવ્યું હતું કે, નવી મુંબઈ પોલીસની એક ટીમે શુક્રવારે ધુળેના સિંધખેડથી આરોપી પ્રફુલ સાળુંખે ઝડપી લીધો હતો.તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.કોર્ટે તેને ૨૩ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર, તેની માતા મનોરમા અને એક વધુ વ્યક્તિએ આ કેસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.તેઓ હજુ પણ ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી મુંબઈના મુલુંડ-એરોલી રોડ પર બની હતી જ્યારે એક કોંક્રિટ મિક્સર ટ્રક લેન્ડ ક્રુઝર કાર સાથે અથડાઈ હતી.જેના કારણે વાહનના ડ્રાઇવર - હેલ્પર અને લક્ઝરી કારમાં સવાર બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો.બનેએ કારના નુકસાન માટે પૈસાની માંગણી કરી હતી.
તેમણે જણાવ્યું કે દિલીપ ખેડકર અને તેમના ડ્રાઇવર પ્રફુલ સાળુંખેએ કથિત રીતે ટ્રકના ડ્રાઈવર પ્રહલાદ કુમાર ચૌહાણને બળજબરીથી એસયુવીમાં બેસાડીને પુણેના ખેડકર બંગલે લઈ ગયા હતા.આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ બાદ ખેડકરના બંગલામાં પહોંચી હતીત્યારે મનોરમા ખેડકરે તેમના પ્રવેશમાં અવરોધ ઉભો કર્યો હતો. આમ છતાં પોલીસે તેને બંગલામાં શોધી કાઢયો અને બચાવી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ચૌહાણને ચોકીદારના રૃમમાં બંધ કરી દીધો હતો.તેમને વાસી ખોરાક પીરસ્યો હતો અને જો તે નુકસાનની ચૂકવણી નહીં કરે તો તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાહુલ ધસે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મનોરમા ખેડકરે તેમના નિવાસસ્થાનના સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો.તે આ કેસમાં પુરાવા હતા.એક અજાણ્યા વ્યક્તિને તેમના બેડરૃમમાં પ્રવેશ આપ્યો હતો.જ્યાં ડીવીઆર હતું.
રબાળે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨),(અપહરણ) હેઠળ કેસ નોંઘ્યો હતો, અને હવે કલમ ૧૧૫(૨),૧૨૭(૭) (ખંડણી માટે ખોટી રીતે બંધક બનાવવું) અને ૩૦૮(૪) (ખંડણી ઉઘરાવવા)ની કલમ ઉમેરી છે. પુણે પોલીસે પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ પણ પોલીસને અવરોધિત કરવાના આરોપમાં કેસ નોંઘ્યો છે અને નોટિસ જારી કરી છે.
પૂજા ખેડકર પર આરોપ છે કે તેમણે ૨૦૨૨ની યુપીએસસી સિવિલ સવસ પરીક્ષા માટે અનામતનો લાભ મેળવવા માટે પોતાની અરજીમાં ખોટી હકીકતો રજૂ કરી હતી.જો કે તેમણે પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢયા છે.
યુનિયન પબ્લિક સવસ કમિશન (યુપીએસસી)એ ખેડકર વિરુદ્ધ કાર્યવાહી શરૃ કરી છે.ખેડકર સામે ખોટી ઓળખ આપીને સિવિલ સવસ પરીક્ષા આપવાનો પ્રયાસ કરવા બદલ ફોજદારી કેસ દાખલ કરવાનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ વિવિધ ગુનાઓ માટે એફઆઈઆર દાખલ કરી હતી.
પૂજા ખેડકરની પ્રોબેશનરી આઈએએસ અધિકારી તરીકે નિમણૂક પર વિવાદ ઉભો થયા પછી ગયા વર્ષે એક વિડીયો સામે આવ્યો હતો.વિડીયોમાં તેની માતા એક ખેડૂતને ધમકી આપતા જોવા મળી હતી. ત્યારબાદ મનોરમા ખેડકરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
મને બે દિવસ સુધી વાસી ખોરાક ખવડાવ્યો,મારી નાખવાની ધમકી પણ આપીઃ ડ્રાઈવર
ટ્રક ડ્રાઈવર પ્રહલાદ કુમાર ચૌહાણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેડકર અને તેમના ડ્રાઇવરે મને બળજબરીથી તેમના વાહનમાં બેસાડયો હતો. પછી મારો મોબાઇલ ફોન છીનવી લીધો હતો.પુણે પહોંચ્યા પછી મને એક રૃમમાં બંધ કરી દીધો હતો. ત્યારબાદ મને બે દિવસ સુધી વાસી ખોરાક ખવડાવ્યો હતો.તેઓ મારા માલિક પાસેથી વળતરની પણ માંગ કરી રહ્યા હતા. પૈસા નહીં મળે તો મને મારી નાખવાની ધમકી પણ આપી.








