ભાજપ શબ્દ ઉચ્ચારવાને બદલે કહ્યું, મહાયુતિનો મેયર બનશે
કઈ મહાપાલિકામાં ઓપન કેટેગરીના અને ક્યાં મહિલા કે એસસી-એસટી મેયર બનશે તે લોટરી દ્વારા નક્કી થશે
મુંબઇ - મહારાષ્ટ્રની મુંબઈ સહિતની મહાપાલિકાઓમાં ક્યાં કઈ કેટેગરીના મેયર બનશે તેનો ડ્રો તા. ૨૨મી જાન્યુઆરીએ યોજાશે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨૨મીએ આ ડ્રો યોજવા અંગે એક અધિસૂચના પ્રગટ કરી દેવાઈ છે.
મેયરની પસંદગી બહુમતી નગરસેવકો દ્વારા કરાશે. જોકે, મેયર જનરલ, મહિલા, એસસીટ, એસટી કે ઓબીસી કેટેગરીના હશે કે કેમ તે નક્કી કરવા આ ડ્રો યોજાશે. જે મહાનગરમાં જે કેટેગરી માટે મેયરપદ અનામત નક્કી થશે તે કેટેગરીના કોર્પોરેટરો મેયરપદ માટે હોડમાં સામેલ થશે.
સંબધિત પોલિટિકલ પાર્ટી નક્કી થયેલી કેટેગરીના પોતાના ઉમેદવાર જાહેર કરે તે પછી સામાન્ય સભા બોલાવી મેયર પદ માટે ચૂંટણી થશે. જે તે દિવસે મહાપાલિકાની કુલ સભ્ય સંખ્યા નહિ પરંતુ તે દિવસે સામાન્ય સભામાં હાજર રહેલા કોર્પોરેટરોમાંથી બહુમતી સભ્યો જેની તરફેણમાં મત આપશે તે ઉમેદવાર મેયર બનશે.
તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા એકલ પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બીએમસીની કુલ ૨૨૭ બેઠકોમાંથી ભાજપે ૮૯ બેઠકો જીતીને લગભગ ૩૦ વર્ષ પછી ઠાકરે પરિવાર પાસેથી દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થાનો કબજો છિનવી લીધો છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ૨૯બેઠકો મેળવી છે.
જોકે પરિણામોમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુ બી ટી) ૬૫બેઠકો જીતીને બીજા ક્રમે આવી છે, જ્યારે તેના સાથી પક્ષ મનસેને છ બેઠકો મળી છે તે દર્શાવ્યા પછી મેયર પદ માટે રાજકીય પુનર્ગઠન અંગે અટકળો શરૃ થઈ હતી.અન્ય પક્ષોમાં, કોંગ્રેસે ૨૪બેઠકો, એ આઈ એમ આઈ એમના ૮ , અજિત પવારની આગેવાની હેઠળની એનસીપ ૩ સમાજવાદી પાર્ટી ૨અને એનસીપી(એસપી)એ એક બેઠક જીતી હતી.
અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિના સભ્ય હોવા છતાં, બીએમસી ચૂંટણી અલગથી લડી હતી.
મુંબઈના મેયરનું પદ મોટાભાગે મોભારુપ ગણાય છે પરંતુ તેમને ખાસ સત્તાઓ હોતી નથી. શાસક પક્ષના રાજકીય વર્ચસ્વનું પ્રતીક મનાય છે. મેયર પાલિકાના સભાગૃહમાં સભાઓની અધ્યક્ષતા કરે છે.
રાજ્ય સરકારે વર્ષે ૨૦૨૨ માં વહીવટકર્તાની નિમણૂક કરી તે પહેલાં શિવસેના ( યુબીટી) ના કિશોરી પેડણેકર મુંબઈના છેલ્લા મેયર હતા.


