ડો. વળસંગકરના પુત્રવધુ ડૉ. સોેનાલી તથા તેના પિતા દિલીપ જોશી ગુમ
ટોચના ન્યુરોલોજિસ્ટની આત્મહત્યા કેસમાં પોલીસ હજુ અંધારામાં
પિતા-પુત્રી બન્ને અમેરિકા જતાં રહ્યાની અને તા. ૩૦મે પછી પાછા આવશે તેવી ચર્ચા ઃ જોકે, પોલીસ તરફથી કોઈ જાણકારી નહીં
મુંબઇ - સોલાપુરના પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ ડૉ. શિરીષ વળસંગકરે આત્મહત્યા કરી તેને ૧૫ દિવસ પસાર થઇ ગયા હોવા છતાં પોલીસ હજી આ પ્રકરણે અંધારામાં ફીફા ખાંડી રહી છે. ડૉ. વળસંગકરે શા માટે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું તેનું કોઇ નક્કર કારણ હજી સામે આવી રહ્યું નથી. દરમિયાન ડૉ. વળસંગકરની પુત્રવધુ ડૉ.સોનાલી અને તેના પિતા ડૉ. દિલીપ જોશી છેલ્લા બે દિવસથી ગુમ હોવાથી જાત-જાતની ચર્ચાઓ જોર પકડયું છે.
પિતા-પુત્રી બન્ને અમેરિકા ભાગી ગયા હોવાની જોરદાર ચર્ચા ડૉ. વળસંગકરની હોસ્પિટલમાં ચાલી રહી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે ડૉ. સોેનાલીનો ભાઇ અમેરિકામાં વસવાટ કરતો હોવાથી આ બન્ને તેને ત્યાં ગયા હોવાની ચર્ચા છે. જ્યારે બીજી તરફ ડૉ. સોનાલી સોલાપુર છોડી મુંબઇમાં સ્થાયી થવાના હોવાનું પણ કહેવાય રહ્યું છે. જ્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ડૉ. સોેનાલી ૩૦મે પછી હોસ્પિટલમાં પાછા ફરશે અને ફક્ત ઓપીડી સંભાળશે.
દરમિયાન ડૉ. વળસંગકરની હોસ્પિટલના સંચાલનના સૂત્ર તેમના પત્ની ડૉ. ઉમાએ હાથમાં લીધા હોવાનું કહેવાય છે. ૧૮ એપ્રિલના રોજ ડૉ. વળસંગકરે સ્વયં માથે ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણની તપાસ ચાલી રહી છે ત્યારે ૨૦૦૮થી હોસ્પિટલમાં કામ કરતી મનિષા માને નામની મહિલાની પોલીસ શરૃઆતમાં ધરપકડ કરી હતી. મનિષા માનેએ મોકલેલ અમૂક ઇ-મેલને લીધે ડૉ. વળસંગકર નિરાશામાં સરી પડયા હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. મનિષા હાલ અદાલતી કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. મનિષા બાદ સૌથી વધુ શંકાના ઘેરમાં પુત્રવધુ ડૉ. સોનાલી હોવાનું કહેવાય છે જોકે મુખ્ય શકમંદોમાંથી એક એવી ડૉ.સોનાલી અચાનક ગુમ થઇ જતા જાત-જાતની ચર્ચાએ જોર પકડયું છે.
આત્મહત્યા પહેલા ડૉ. વળસંગકરે એક સુસાઇડ નોટ લખી હતી જેમા મનિષા માનેને ઉદ્દેશી એવું લખ્યું હતું કે જે વ્યક્તિને મે શીખવાડી, સમજાવી આજે એઓ (એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર) બનાવી અને તેને સારો પગાર આપું છું, તેણે ખોટા અને ગંદા આરોપો કરી મને ધમકાવ્યો તેથી મને અતિશય દુઃખ થયું છે તેથી હું જીવન ટૂંકાવી રહ્યો છું. ડૉ. વળસંગકરની આ સુસાઇડ નોટના આધારે મનિષા માનેની પોલીસે ધરપકડ કરી હતી.