મુંબઈગરાની ધીરજની પરીક્ષા ન લોઃ ટ્રાફિક જામમાં ફસાયેલી રુપાલી ગાંગુલીનો ઉકળાટ
રિક્ષામાં એક કલાક લાગે ત્યાં અઢી કલાકે માંડ પહોંચી
મેટ્રોનું કામ રાતે કરવું જોઈએઃ આડેધડ વૃક્ષો કાપી વિકાસના નામે વિનાશ થઈ રહ્યાનો ઉભરો પણ ઠાલવ્યો
મુંબઈ - મુંબઈની ગંભીર ટ્રાફિક સમસ્યા અને ઠેર ઠેર થતા ટ્રાફિક જામ તેમ જ બીએમસીની બેદરકારીથી ખફા થયેલી ટી.વી. એકટ્રેસ રૃપાલી ગાંગુલીએ ટીકાની ઝડી વરસાવી હતી. મુંબઈગરાઓની સહનશક્તિની પરીક્ષા ન લો એમ તેણે જણાવ્યું હતું.
ગોરેગામના ફિલ્મસિટીમાં જતી વખતે ટ્રાફિક જામનો સામનો કરવો પડયો એટલે રૃપાલીનો રોષ ભભૂકી ઉઠયો હતો. અભિનેત્રીએ રિક્ષામાં ફિલ્મસિટી તરફ જતી વખતે જે હાલાકી વેઠવી પડી તેનો વિડિયો ખુદના સોશ્યલ મિડિયા અકાઉન્ટમાં શેર કર્યો હતો. સામાન્ય રીતે એક કલાકમાં જે અંતર કાપી શકાયએટલું અંતર કાપતા તેને અઢી કલાક લાગ્યા હતા આને માટે તેણે મેટ્રોના નિર્માણ કર્યાનો વાંક કાઢયો હતો. સવારે દસ વાગ્યે ધસારાના સમયે મોટા કન્ટેનરોેની અવરજવર અને મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી એક તરફની લેન બંધ કરવામાં આવી હોવાથી આ દશા થઈ હોવાનો તેણે ઉભરો ઠાલવ્યો હતો.
રૃપાલીએ એવો સવાલ કર્યો હતો કે મેટ્રોની ઓથોરિટી અને બીએમસી દિવસે ધસારાના સમયે કેમ બાંધકામ હાથ ધરી રસ્તો રોકે છે? મધરાતે આ કામ કરતા શું થાય છે? એનો તેણે સવાલ ઉઠાવ્યો હતો.
મુંબઈમાં વૃક્ષોની નિકંદન નીકળી રહ્યું છે એ વિશે પણ આક્રોશ ઠાલવતા ગાંગુલીએ કહ્યું હતું કે ફિલ્મસિટી જેવાં હરિયાળા વિસ્તારમાં મેટ્રો રેલ માટે વૃક્ષોને કાપવામાં આવી રહ્યાં છે. આ તો મુંબઈના વિકાસને નામે વિનાશ થઈ રહ્યો છે.
મુંબઈમા ં ઠેર ઠેર ચાલી રહેલી મેટ્રોની કામગીરીએ અવરજવરમાં અસહ્ય હાલાકીનો સામનો કરતા લાખો મુંબઈગરાઓની વિટંબણાને રૃપાલીએ વાચા આપી હતી. એટલે જ સહુએ તેની આ પોસ્ટને સમર્થન આપ્યું હતું.
રૃપાલીએ એવી ટકોર કરી હતી કે ટ્રાફિક મેનેજમેન્ટની અને મહાપાલિકાની કામગીરી મનમરજીમુજબ ચાલતી હોય એવું લાગે છે આ પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ હતી. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે રુપાલીની વ્યથા સાથે સંમતિ દર્શાવી હતી.