અંધેરીમાં વિન્ટેજ કારના ડીલરને ત્યાં ચોરીનો ભેદ ઉકેલાયો
50 લાખના મુદ્દામાલની ચોરી થઈઃ ટીપના બદલામાં ૨૦ ટકા ભાગ આપવાનું નક્કી થયું હતું
મુંબઈ - અંધેરીના ટીચર્સ કોલોની વિસ્તારમાં એક વેપારીના બંધ ઘરમાં ૫૦ લાખ રૃપિયાની ઘરફોડીની ઘટના બની હતી. આ ઘટનાની તપાસ કરતા અંબોલી પોલીસે ઘરફોડી કરતા એક નામચીન અને રીઢા ગુનેગાર સૂર્યા ગોંડર (૨૨)ને પકડી પાડયો હતો. સૂર્યા સામે ઘરફોડીના આઠ ગુનાઓ નોંધાયા હતા અને તાજેતરમાં જ તે જેલમાંથી છૂટયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે જે વેપારીનિા ઘરે ચોરી કરી હતી. તે વેપારીએ તેમના કૂતરા સાચવવા રાખેલ ડોગ સીટર સૂરજ પવાર (૨૨)ના કહેવાથી અને તેણે આપેલ 'ટીપ'ના આધારે વેપારીના બંધ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ૫૦ લાખની ઘરફોડી કરી હતી. સૂર્યાની આ કબૂલાત બાદ પોલીસે ડોગ સીટર સૂરજ પવારની પણ ધરપકડ કરી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર અંધેરીમાં રહેતા અને વિન્ટેજ કારનો વેપાર કરતા જેસી રોડ્રિગ્સ (૬૫)નો એક પુત્ર વિદેશમાં રહે છે અને એક પુત્ર દિલ્હીમાં રહે છે. રોડ્રિગ્સના ઘરે કૂતરા પાળેલા હોવાથી તેમણે કૂતરા સાચવવા સૂરજ પવારને સાત મહિના માટે રાખ્યો હતો. થોડા સમય પહેલાં કૂતરાઓને દિલ્હી મોકલી આપવામાં આવ્યા હતા અને સૂરજ પવારને પણ રજા આપવામાં આવી હતી. આ દરમિયાન સૂરજ બાજુની ઇમારતમાં કામ કરવા લાગ્યો હતો, પણ તેને કાઢી મૂકવામાં આવતા તેણે રોડ્રિગ્સના ઘરે ઘરફોડી કરવાની યોજના બનાવી હતી.
ગઈ સાતમી ફેબુ્રઆરીના રોડ્રિગ્સ અને તેમના પત્ની પુત્રના લગ્નની તૈયાર માટે જયપુર ગયા હતા. આ દરમિયાન તેમણે ઘરની એક ચાવી તેમના એક વિશ્વાસુ નોકરને આપી ઘરનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ નોકર જ્યારે દંપતિના ઘરે ત્રણ દિવસ બાદ ગયો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હોવાનું જણાયું હતું. તેમણે આ વાતની જાણ રોડ્રિગ્સને કર્યા બાદ ચાવી બનાવનારા પાસે ઘરનું લોક ખોલાવતા ઘર અસ્તવ્યસ્ત હતું અને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઘરની ગ્રીલ કાપી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ૫૦ લાખ રૃપિયાની મત્તાની ઘરફોડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ઇમારતમાં સીસીટીવી ફીટ કરવામાં ન આવ્યા હોવાથી પોલીસે આ કેસની તપાસ માટે રીઢા ગુનેગારો અને ઘરફોડી કરતા લોકો પર નજર દોડાવી તાજેતરમાં જેલમાંથી છૂટેલા સૂર્યા ગોંડર પર તપાસ સ્થિર કરી હતી. સૂર્યા પર પહેલેથી જ આઠ ઘરફોડીના ગુના નોંધાયેલા છે.
પોલીસ સૂર્યાને શોધતી વર્સોવાના તેના ઠેકાણે પહોંચી ત્યારે પોલીસને જોઈ ભાગી છૂટયો હતો, પણ પોલીસે તેની અડધો કિલોમીટર સુધી પીછો કરી પકડી પાડયો હતો. પોલીસે તેની કડકાઈભેર પૂછપરછ કરી તેના પાસેથી ૩૧ લાખ રૃપિયાની ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સૂર્યાએ પોલીસને જણાવ્યું હતું કે સૂરજનો ભાઈ જસવંત પવાર પણ તેની સાથે જેલમાં બંધ હતો. સૂરજ તેને મળવા આવતો હતો ત્યારે તેને રોડ્રિગ્સના ઘરની ઝીણવટભરી માહિતી આપી ઘરફોડી કરવા કહ્યું હતું અને ચોરીની ભાગમાંથી ૨૦ ટકા રકમ આપવાની ડીલ થઈ હતી. તે મુજબ સૂર્યાએ ઘરફોડી કરી હતી. આ બાદ પોલીસે સૂરજની પણ ધરપકડ કરી હતી. તેણે ગુનામાં તેની ભૂમિકા કબૂલી મોંઘી લાઇફસ્ટાઇલ જીવવા અને બાઇકના હપ્તા ભરવા આ કૃત્ય આચર્યું હોવાનું કબૂલ્યું હતું.


