મુંબઈ સહિત રાજ્યભરમાં તબીબોની પ્રતીક હડતાલ
જે જે હોસ્પિટલ ખાતે દેખાવો યોજાયા
સરકારી અને પાલિકા હોસ્પિટલોમાં અસર જોકે, ઈમરજન્સી ટ્રીટમેન્ટ યથાવત
મુંબઈ - ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના(આઈ એમ એ )મહારાષ્ટ્રએ આધુનિક ફાર્માકોલોજીમાં સટફિકેટ કોર્સ પૂર્ણ કરનારા હોમિયોપેથિક ડોકટરોની નોંધણીને મંજૂરી આપવાના સરકારના નિર્ણયના વિરોધમાં આજે હડતાલ યોજતાં સરકારી અને મહાપાલિકા હોસ્પિટલોમાં તબીબી સેવાઓ પર અસર પડી હતી. જોકે, ઈમરજન્સી વોર્ડમાં ટ્રીટમેન્ટ ચાલુ રખાઈ હતી.
મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) એસોસિએશન ઓફ સ્ટેટ મેડિકલ ઇન્ટર્ન્સ (એ એસ એમ આઈ), અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સ્ટુડન્ટ્સ એસોસિએશન એ પુષ્ટિ આપી હતી કે તેઓ સેન્ટ્રલ માર્ડ, મહારાષ્ટ્ર સ્ટેટ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન , ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે તેમના વિરોધમાં જોડાયા હતા.
જેજે હોસ્પિટલ એમ્ફીથિયેટર ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો યોજ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ એમએ) મહારાષ્ટ્રના પ્રમુખ ડા. સંતોષ કદમે દાવો કર્યો હતો કે રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલો સહિત લગભગ ૧.૮ લાખ એલોપેથિક ડોકટરો હડતાલમાં જોડાયા હતા.
ડોક્ટરોના મતે સરકારના આ પગલાંથી દર્દીઓ માટે ગૂંચવાડો સર્જાશે અને તેમને અસરકારક સારવાર મળવા પર માઠી અસર થશે.