સરકારી જે.જે. હોસ્પિટલના ડોક્ટરોએ 1 દિવસની હડતાળ પાડી
મહિલા ડોક્ટરના આત્મહત્યાના પ્રયાસને પગલે
તબીબોને માનસિક ત્રાસ અપાય છે એવો સિનિયર રેસિડેન્ટ્સ ડોક્ટરના સંગઠનનો આક્ષેપ
મુંબઈ - ભાયખલાની સરકારી જે.જે. હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ લેડી ડોક્ટરે કરેલા આત્મહત્યાના પ્રયાસની ઘટનાના વિરોધમાં હોસ્પિટલના ડોક્ટરોએ આજે એક દિવસની હડતાળ પાડી હતી.
મહારાષ્ટ્ર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસીએશને એવો આક્ષેપ કર્યો હતો કે પિડિયાટ્રીક વિભાગની આ જુનિયર મહિલા તબીબને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને વિષમ પરિસ્થિતિમાં કામ કરવું પડતું હતું. આમાંથી છૂટવા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એટલે આજે અમે એક દિવસની હડતાલ પાડીને ખાતાકીય માનસિક સતામણી બાબત તપાસની અને જવાબદાર સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ સાથે જ જે.જે. હોસ્પિટલના માર્ડ યુનિટની લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
આજની હડતાલની નોંધ લઈ રાજ્ય સરકાર તરફથી તત્કાળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્ય વ્યાપી આંદોલનની સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી છે.