કાંદિવલી ક્લિનિકમાં ડોક્ટર દ્વારા દર્દી યુવતી સાથે અડપલાં
બહેનને બહાર મોકલી ચૂંબન કર્યું, રેપનો પ્રયાસ
પીડીતાએ ચીસો પાડતા તેની બહેન દોડી આવીઃ ફરિયાદ નોંધાયા બાદ ડોક્ટર ફરાર
મુંબઈ - કાંદિવલી પૂર્વમાં સમતા નગરમાં એક ડોક્ટરે ચેક અપ માટે આવેલી ૨૪ વર્ષીય યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ આરોપી ડોક્ટર ફરાર થઈ ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ૪૫ વર્ષીય દિનેશ ગુપ્તા કાંદિવલી પૂર્વ વિસ્તારમાં ક્રાંતિ નગરમાં ક્લિનિક ધરાવે છે. પીડીતા ૨૪ વર્ષીય છે અને તે જ વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહે છે. ઘટના સમયે પીડીતા તેની ૨૦ વર્ષની બહેન સાથે રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ ડોક્ટરના કિલનિકમાં ચેક- અપ માટે આવી હતી.
આ બાદ પીડીતા દર્દી તપાસ ખંડમાં પ્રવેશી હતી. ત્યારે ડો. ગુપ્તાએ કમ્પાઉન્ડર અને તેની બહેનને ત્યાંથી જવા કહ્યું હતું અને પછી ક્લિનિકનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ ડોક્ટરે પીડીતાને કથિત રીતે ચુંબન કર્યું હતું અને અભદ્ર સ્પર્શ કરીને નજીક જવાનો તથા બળત્કારનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી આઘાત પામેલી યુવતી ચીસો પાડવા માંડી હતી. ચીસો સાંભળીને તેની બહેન તરત જ રુમમાં દોડી આવી હતી.
આ બાદ પીડીતાએ તરત જ આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ડોક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (૨) (બળાત્કાર માટે સજા) અને ૭૪ (મહિલા પર હુમલો અથવા તના ગૌરવને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીની પત્ની પણ એક ડોક્ટર છે અને આ ક્લિનિક તેના નામે નોંધાયેલ છે. હાલ ડોક્ટર ફરાર હોવાથી પોલીસે આ મામલે વધુ તપાસ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી.