Get The App

ડોક્ટરને ઈમરજન્સી વિઝિટના બહાને બોલાવી ચાકુ મારી લૂંટી લીધા

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ડોક્ટરને ઈમરજન્સી વિઝિટના બહાને બોલાવી ચાકુ મારી લૂંટી લીધા 1 - image

પુણેનો કિસ્સોઃ પિતા ગંભીર હોવાનું જણાવી ડોક્ટરને કોલ કર્યો

નિર્જન ઈમારતમાં બે આરોપીઓ ડોક્ટર પર તૂટી પડયાઃ રોકડ સહિતની વસ્તુઓ પડાવીઃ એક શકમંદની અટકાયત

મુંબઈ - પુણેના સહકારનગર વિસ્તારમા બે અજાણ્યા વ્યક્તિએ એક સ્થાનિક ડોક્ટરને ફોન કરી તેમના પિતા ગંભીર બીમાર હોવાનો કોલ કરી બનાવટી મેડિકલ ઇમરજન્સી ઊભી કરી ડોક્ટરને સારવાર આપવા એક વિશિષ્ટ સ્થળે વિઝિટ પર બોલાવ્યા હતા. ડોક્ટર જેવા આપેલ સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર બે બદમાશોએ ચાકુની ધાકે ડોક્ટરને લૂંટી લીધા હતા. આ ઘટનામાં આરોપીઓએ ડોક્ટરની મારપીટ કરી હતી અને ચાકુના ઘા બચાવવાના પ્રયાસમાં ડોક્ટરને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

આ  ઘટના બાદ ડોક્ટરે પોલીસમાં ફરિયાદ કરતા સહકાર નગર પોલીસે અજાણ્યા આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. 

આ  બાબતે ફરિયાદ નોંધવનારા ડો. છાજેડ (૪૯) બાલાજીનગરના રહેવાસી છે.  સોમવાર તા. ચોથી જાન્યુઆરીના રોજ નવ વાગ્યે એક વ્યક્તિએ ફરિયાદી ડો. છાજેડને કોલ કરી  પુણે સાતાર હાઈવે પર શંકરમઠ વિસ્તારમાં એક ખાસ જગ્યાએ બોલાવતાં જણાવ્યું હતું કે તેના વયોવૃદ્ધ પિતા અચાનક ગંભીર રીતે માંદા પડી ગયા છે અને તેમને ઇમરજન્સીમાં સારવાર આપવી પડે તેવું લાગે છે. ફરિયાદી ડો. તાત્કાલિક જરૃરી વસ્તુઓ ઉપકરણો સાથે લઈ તેમની બાઇક પર જવા રવાના થયા હતા.

ડો. છાજેડ જેવા શંકરમઠ પાસે આપેલ સરનામે પહોંચ્યા ત્યારે એક નિર્જન ઇમારતમાં બે આરોપીઓ પહેલેથી જ હાજર હતા અને બન્નેએ ચાકુ દેખાડી ડોક્ટરને ચૂપ રહેવાનું જણાવ્યું હતું. આ સાથે જ બન્નેએ ડોક્ટરને ધમકાવી તેમની મારપીટ કરી તેમની બેગમાં રાખેલ ત્રીસ હજારની રોકડ, મોબાઇલ ફોન એક ચાંદીનો ગ્લાસ લૂંટી અને તેમની જ બાઇક લઈ ભાગી છૂટયા હતા. આ લોકોએ ચાકુથી ડોક્ટર પર હુમલો કર્યો હતો, પણ ડોક્ટરે હુમલાથી બચવા હાથ પર ઘા ઝીલી લેતા તેમના હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ડોક્ટરે તાત્કાલિક આ વાતની જાણ સહકારનગર પોલીસ મથકમાં કરી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ધસી ગયા હતા.

આ  ઘટના બાદ પોલીસે ડોક્ટરની ફરિયાદ પર બે અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે એક શંકાસ્પદ વ્યક્તિને તાબામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ ડોક્ટરના નંબર, સરનામા જેવી વિગતો એક ઓનલાઇન પ્લેટફોર્મ પરથી મેળવી હોવાનું જાણવા મળ્યું છે.