Mumbai

જીવનસાથી વારંવાર આત્મહત્યાની ધમકી આપે તો છૂટાછેડા મળી શકેઃ હાઈકોર્ટ

By GS TEAM
20 Nov 20252 mins read
જીવનસાથી વારંવાર આત્મહત્યાની ધમકી આપે તો છૂટાછેડા  મળી શકેઃ હાઈકોર્ટ

વારંવાર છૂટાછેડાની ધમકી આપતા રહેવું એ પણ ક્રૂરતા

એક દાયકાથી અલગ રહેતી પત્ની થી છૂટાછેડા માગતા પતિની અરજી મંજૂર કરતી વખતે હાઈકોર્ટનું નિરીક્ષણ

મુંબઈ - જીવનસાથી  દ્વારા વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવી એ ક્રૂરતા સમાન છે,  છૂટાછેડા આપવા માટે આ પર્યાપ્ત કારણ છે એમ બોમ્બે હાઈકોર્ટે  પતિને છૂટાછેડાની મંજૂરી આપતાં ચુકાદામાં જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ  ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંકડની બેન્ચે ગયા અઠવાડિયે આપેલા પોતાના આદેશમા જણાવ્યું હતું કે  વારંવાર આવી ધમકીઓ અપાય તે પછી અન્ય જીવનસાથી દ્વારા વૈવાહિક સંબંધ ચાલુ રાખવાનું અશક્ય બની જાય છે. 

ફેમિલી કોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી  દેતાં પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેની અરજી અનુસાર તેમનાં  લગ્ન ૨૦૦૬ માં થયા હતા, પરંતુ વૈવાહિક મતભેદને કારણે તે અને તેની પત્ની ૨૦૧૨થી અલગ રહેતા હતા.

તે વ્યક્તિએ દાવો કર્યો હતો ક તેઓ બંને અલગ રહેતાં હતાં, પત્ની તેના પર બહુ શક કરતી હતી અન ેસાથે સાથે વારંવાર આત્મહત્યાની ધમકી પણ આપતી હતી. આમ હિંદુ મેરેજ એક્ટ હેઠળ આ બધાં કારણો છૂટાછેડા માટે પર્યાપ્ત છે. 

બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ દંપતી એક દાયકાથી વધુ સમયથી અલગ રહે છે, અને તેમની વચ્ચે  સૌહાર્દપૂર્ણ સમાધાન શક્ય નથી. કોર્ટે કહ્યું કે તે વ્યક્તિએ ક્રૂરતાના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ફેમિલી કોર્ટે તેનો વિચાર કર્યો ન હતો.

બેન્ચે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જીવનસાથી દ્વારા આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા સમાન છે.

કોર્ટે કહ્યું કે શંકાના આરોપો અને આત્મહત્યાનો પ્રયાસ પત્નીના પતિ પ્રત્યેના વર્તનને દર્શાવે છે. હાઈકોર્ટે કહ્યું કે હવે દંપતી માટે સાથે રહેવું શક્ય નથી અને તેથી છૂટાછેડાનો હુકમ મંજૂર થવો જોઈએ.

 આવા લગ્ન ચાલુ રાખવાથી પક્ષકારો એકબીજા પર જ ક્રૂરતા કરી રહ્યા છે તે કાયમી રહેશે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. પુરુષને છૂટાછેડા આપતાં, બેન્ચે તેને  પચ્ચીસ લાખ રૃપિયા ચૂકવવા અને અંતિમ સમાધાન તરીકે બે ફ્લેટની માલિકી મહિલાને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.