Get The App

દત્તક લેવાની કાર્યવાહી નક્કી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સક્ષમઃ હાઇકોર્ટ

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
દત્તક લેવાની કાર્યવાહી નક્કી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સક્ષમઃ હાઇકોર્ટ 1 - image

જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટના સુધારાને પડકારતી  અરજી ફગાવી

 દત્તક પ્રક્રિયા ઝડપી બને અને  કાયદેસર રહે  એ સુનિશ્ચિત કરવા  કોર્ટને બદલે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તા સોંપાઈ છે

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ દત્તક લેવાની કાર્યવાહી સાંભળવા અને નિર્ણય લેવા માટે સક્ષમ છે, તેમણે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને સુરક્ષા)માં ૨૦૨૧ના સુધારાને સમર્થન આપ્યું હતું અને નોંધ્યું હતું કે અરજદારોનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો  છે.

હાઈકોર્ટ બે યુગલો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં કાયદામાં સુધારાને પડકારવામાં આવ્યો હતો, જેના દ્વારા  દત્તક લેવાના આદેશો જારી કરવાની સત્તા કોર્ટને બદલે  જિલ્લા મેજિસ્ટ્રેટ (એક્ઝિક્યુટિવ ઓફિસર્સ)ને ટ્રાન્સફર કરાઈ હતી.

સુધારામાં કોર્ટ  શબ્દને કલેક્ટર અને  જિલ્લા મેજિસ્ટ્રેટ (એક્ઝિક્યુટિવ ઓફિસર) શબ્દો સાથે બદલવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટને કાયદાની જોગવાઈઓનો અમલ કરવામાં અને સંભવિત દત્તક માતાપિતાની પાત્રતા નક્કી કરવામાં કોઈ મુશ્કેલી દેખાતી નથી. જિલ્લા મેજિસ્ટ્રેટ બાળકોના કલ્યાણમાં કાર્ય કરવા અને મદદ કરવા માટે યોગ્ય છે અને અમને કોઈ શંકા નથી. અરજદારોની ધારણા ખોટી છે,એમ કોર્ટે કહ્યું હતું.

જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને સુરક્ષા)ની જોગવાઈઓ અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા) ના નિયમો હેઠળ, કોઈપણ દત્તક લેવાની પ્રક્રિયામાં કોર્ટના માન્ય આદેશનો વિચાર કરવામાં આવે છે, અને આ જોગવાઈ હવે જિલ્લા મેજિસ્ટ્રેટના માન્ય આદેશનો વિચાર કરીને બદલવામાં આવી છે.

બેન્ચે નોંધ્યું હતું કે આ સુધારો એ સુનિશ્ચિત કરવા માટે હતો કે દત્તક લેવાની પ્રક્રિયા ઝડપી બને અને કોઈ ગેરકાયદેસરતા ન રહે.

અરજદારોએ દાવો કર્યો હતો કે બાળકને દત્તક લેવાની સ્વીકૃતિ આપવી એ એક ન્યાયિક કાર્ય છે જે જિલ્લા મેજિસ્ટ્રેટ જેવા એક્ઝિક્યુટિવ ઓથોરિટીને સોંપી શકાતું નથી, જેમની પાસે જરૃરી કુશળતા ન હોય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લાના એક્ઝિક્યુટિવ ઓફિસર હોવાને કારણે, કાયદાની બારીકાઈઓથી પણ વાકેફ ન હોઈ શકે, અને તેથી, દત્તક લેવાની પ્રક્રિયામાં કોર્ટ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને બદલીને, પ્રતિકૂળ અસર થશે.

સરકાર વતી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે દલીલ કરી હતી કે અદાલતોની સંડોવણી સાથે પ્રક્રિયામાં વિલંબ એ એક મુદ્દો હતો જેના કારણે અવેજી જરૃરી બની હતી.

હાઈકોર્ટના આદેશમાં જણાવાયું છે કે અરજદારોનો દાવો કે જિલ્લા મેજિસ્ટ્રેટ આવા કેસોની સુનાવણી અને નિર્ણય લેવા સક્ષમ નહીં હોય તે  સંપૂર્ણપણે પાયાવિહોણું છે.

તેમાં ઉમેર્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સૌથી વરિષ્ઠ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું પદ ધરાવે છે જે જિલ્લાના સામાન્ય વહીવટ માટે જવાબદાર છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, સરકારી નીતિઓનો અમલ કરવા અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું સંકલન કરવાનો સમાવેશ થાય છે.

 ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દત્તક લેવાની પ્રક્રિયાને સંભાળવા માટે સક્ષમ ન હોવા અંગે અરજદારો દ્વારા વ્યક્ત કરાયેલી આશંકા કોઈપણ યોગ્યતાથી વંચિત છે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

બેન્ચે કહ્યું કે તેને એવું માનવાનું કોઈ કારણ નથી  કે જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવી શકશે નહીં.

તેમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે સુધારામાં એ પણ જણાવાયું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટને જરૃરી જ્ઞાાનથી સજ્જ કરવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે.