કેન્દ્રની જાહેરાત પણ કંપની સિલિન્ડર આપતી નથી
સ્થાનિક વિતરણને પ્રાથમિકતાની માંગ મુદ્દે કેન્દ્ર, ખાનગી કંપનીને જવાબ નોંધાવવા હાઈકોર્ટની નોટિસ
મુંબઈ - ઈરાન યુદ્ધને કારણે ઉર્જા સંકટ વચ્ચે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરનો પુરવઠો વધારવા માટે છ એલપીજી વિતરકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ એક ખાનગી કંપનીને નોટિસ ફટકારી છે.
અરજદારોએ દાવો કર્યો હતો કે કેન્દ્રના સ્થાનિક વિતરણને પ્રાથમિકતા આપવાના નિર્દેશ છતાં નાગપુર-મુખ્ય મથક ધરાવતી કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ ઘરેલું એલપીજી સિલિન્ડરોનો પુરવઠો વધારવામાં નિષ્ફળ રહી છે,
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં વિક્ષેપ પડયો હતો, જેના કારણ એલપીજી ઉત્પાદનમાં અવરોધો આવ્યા હતા અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયે આદેશો જારી કર્યા હતા કે સ્થાનિક ગ્રાહકો માટે એલપીજી ઉત્પાદન અને પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે એલપીજી નિકાસ અટકાવવા અને સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા માટે કંપનીને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ અમલ થયો નથી. કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડે તેમને જાણ કરી હતી કે કંપની સ્થાનિક બજારમાં પુરવઠાને પ્રાથમિકતા આપી શકતી નથી કારણ કે તેને તેની નિકાસ વ્યૂહરચના મુજબ આંતરરાષ્ટ્રીય બજારને પૂર્ણ કરવું પડે છે, અરજદારોએ દાવો કર્યો હતો.
ગુરુવારે અરજીની સુનાવણી કરતી વખતે, હાઈકોર્ટની નાગપુર બેન્ચના ન્યાયાધીશ અનિલ એસ કિલોર અને રાજ ડી વાકોડેએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય , વિદેશી વેપારના મહાનિર્દેશક (ડીજીએફટી) અને કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડને નોટિસ ફટકારી હતી, જેનો સોમવારે જવાબ નોંધાવવાનો રહેશે.
હાઈકોર્ટ બેન્ચે જણાવ્યું હતું કે, આ દરમિયાન, ઘરેલુ એલપીજી સિલિન્ડરોના પુરવઠાને પ્રાથમિકતા આપવાની સરકારની નીતિનું કડક પાલન કરવું જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે છ વિતરકો કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ પાસેથી એલપીજી ખરીદે છે અને ત્યારબાદ નાગપુર અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ઘરગથ્થુ, હોટલ, નાના ઉદ્યોગો અને વાણિજ્યિક સંસ્થાઓ સહિત તેના ગ્રાહકોને તે સપ્લાય કરે છે.
અરજદારે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય એલપીજી સહિત પેટ્રોલિયમ ઉત્પાદનોના સંદર્ભમાં નીતિઓ બનાવવા, નિર્દેશો જારી કરવા માટે જવાબદાર છે, જ્યારે વિદેશ વેપાર મહાનિર્દેશાલય નિકાસ પ્રતિબંધો, નિયંત્રણો અને વેપાર નીતિઓના સંદર્ભમાં અન્ય જરૃરી નિર્દેશો જારી કરવા માટે જવાબદાર છે.
અરજદારોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે તેઓ કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડને સ્થાનિક બજારમાં એલપીજીના પુરવઠાને પ્રાથમિકતા આપવા અને સ્થાનિક બજારો સ્થિર ન થાય ત્યાં સુધી એલપીજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપે. અરજીમાં હાઈકોર્ટને પેટ્રોલિયમ મંત્રાલયને સ્થાનિક વપરાશ માટે પૂરતા પ્રમાણમાં એલપીજી ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવા પણ વિનંતી કરવામાં આવી છે.


