ડેપ્યુ. ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ રેડ્ડી સામે બેહિસાબી સંપત્તિનો ગુનો દાખલ
નાલાસોપારામાં ૪૧ અનધિકૃત ઇમારતોના કેસમાં દરોડા
હૈદરાબાદના નિવાસસ્થાનો પર હાથ ધરવામાં આવેલા ઓપરેશનમા ૮.૦૬ કરોડની રોકડ, ૨૩.૨૫ કરોડના હીરા જડિત ઘરેણાં જપ્ત
મુંબઈ - વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ રેડ્ડીની મુશ્કેલીઓ હવે વધુ વધી ગઈ છે. ત્રણ મહિના પછી, પાલઘરના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ વાય.એસ રેડ્ડી વિરુદ્ધ આચોલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નાલાસોપારામાં ૪૧ અનધિકૃત ઇમારતોના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મે મહિનામાં વસઈ-વિરાર સહિત ૧૩ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતા. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના ભુતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ રેડ્ડીના વસઈ અને હૈદરાબાદમાં આવેલા નિવાસસ્થાનો પર હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં, ઘરમાંથી લગભગ ૮.૦૬ કરોડ રૃપિયાની રોકડ અને ૨૩.૨૫ કરોડ રૃપિયાના હીરા જડિત ઘરેણાં અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ઇડીએ વાય.એસ રેડ્ડી સામે મની લોન્ડરિંગનો કેસ નોંઘ્યો હતો.
હવે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ પણ આ બિનહિસાબી સંપત્તિઓની તપાસ શરૃ કરી છે. પાલઘર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આચોલે પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ બિનહિસાબી સંપત્તિ એકઠી કરવાનો કેસ નોંઘ્યો છે.
વસઈ-વિરારમાં ઇમારતો માટે પરવાનગી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવાર પ્રતિ ચોરસ ફૂટ ૨૫ રૃપિયા અને વાય.એસ રેડ્ડી પ્રતિ ચોરસ ફૂટ ૧૦ રૃપિયા વસૂલતા હતા. તેથી, ઇડીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ ઇમારત માટે પરવાનગી આપતી વખતે ગેરકાયદેસર રીતે લાખો રૃપિયા મેળવી રહ્યા હતા.