બરતરફ ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ રદ

કરોડોની સંપત્તિ છતાં સર્ટિફિકેટ મેળવી લીધું હતું
સર્ટિ. માટે આઠ લાખથી વધુ વાર્ષિક આવક ન હોવી જોઈએ તેવી શરતઃ પૂજાના પિતાએ ૪૦ કરોડની સંપત્ત જાહેર કરી હતી
મુંબઈ - નોકરીમાંથી બરતરફ કરાયેલ ટ્રેની આઈએએસ અધિકારી પૂજા ખેડકરનું 'નોન ક્રિમિલેયર' સર્ટિફિકેટ તાજેતરમાં નાસિક ડિવિઝનલ કમિશનર ઓફિસે રદ્દ કર્યું હતું. આ બાબતની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને અંતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કરોડોની સંપત્તિ અને મોંઘીદાટ લક્ઝરી કાર હોવા છતા તેણે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવ્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ બાબતની તપાસમાં તથ્ય હોવાનું જણાતા આ સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવ્યું હોવા બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતનો એક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર પૂજા ખેડકરે પ્રશાસનને ગેરમાર્ગે દોરી ખોટી રીતે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવ્યું હતું. તેથી આ બાબતની ગુપ્ત તપાસ હાથ ધરી સ્થાનિક પ્રશાસને આ બાબતનો એક અહેવાલ સંબંધિત વિભાગને આપ્યો હતો. ત્યારબાદ નાસિક ડિવિઝનલ કમિશ્નરે પૂજા ખેડકરને આ સર્ટિફિકેટ શા માટે રદ્દ બાતલ કરવામાં ન આવે તે બાબતની એક કારણ દર્શાવો નોટીસ મોકલી હતી. આ બાબતે ખેડકરને તેમની બાજુ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. તે મુજબ પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે વકીલ મારફતે તેમનો જવાબ મોકલી આપ્યો હતો. આ એક અર્ધન્યાયિક પ્રક્રિયા હોવાથી મહેસૂલ કમિશનર કચેરીએ આ બાબતે અત્યંત ગુપ્તતા જાળવી રાખી હતી. આ અંગેની સુનાવણી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હતી.
અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ઉમેદવારોને અનામત મેળવવા નોન ક્રિમીલેયર સર્ટિફિકેટની જરૃર પડે છે. આ માટેની શરત એ છે કે ઉમેદવારના માતા પિતાની વાર્ષિક આવક આઠ લાખ રૃપિયાથી વધુ ન હોવી જોઈએ. પૂજા ખેડકરે અહિલ્યા નગર જિલ્લાન પાથર્ડીના તત્કાલિન પ્રાંતીય મેજિસ્ટ્રેટ પાસેથી નોન-ક્રમીલેયર સર્ટિફિકેટ મેળવ્યુ ંહતું. પૂજાના પિતા દિલીપ ખેડકર નિવૃત્ત સરકારી અધિકારી છે.તેમણે તાજેતરમાં લોકસભાની ચૂંટણી લડી હતી. આ વખતે રજૂ કરાયેલ સોગંદનામામાં તેમણે ૪૦ કરોડ રૃપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
પૂજાનું નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ વિવાદમાં આવ્યા બાદ વહીવટી તંત્રની તપાસમાં બહાર આવ્યું હતું કે ખેડકર પરિવારના નામે કરોડોની સંપત્તિ છે. એવું કહેવાય છે કે સ્થાનિક વહીવટી તંત્રએ એક ગુપ્ત અહેવાલ રજૂ કર્યો હતો કે આ પ્રમાણપત્ર છેતરપિંડી દ્વારા મેળવવામાં આવ્યું હતું. વિભાગીય કમિશનર કચેરીએ ખેડકરને તેના મંતવ્યો રજૂ કરવાની પૂરતી તક આપી હતી. તે પછી આ સર્ટિફિકેટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ સર્ટિફિકેટ રદ્દ કરવા માટે વિગતવાર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે એ વાત સ્પષ્ટ થઈ હતી કે આ સર્ટિફિકેટ છેતરપિંડી દ્વારા મેળવવામાં આવ્યું હતું.
આ બાબતે કમિશનર કચેરીએ અલગ કેસ નોઁધ્યો નથી. કારણકે આ વિષય તેમના તપાસના દાયરામાં નહોતો. વટીવટીતંત્રએ જણાવ્યુ ંહતું કે આ બાબતે પહેલાથી જ કેસ નોંધવામાં આવ્યો છે.









