દિશા સાલિયન પર બળાત્કાર કરી હત્યા થઈ હતી, કેસ રિઓપન કરોઃ પિતાની અરજી
દિશા આત્મહત્યા કરે તેમ ન હતી, સુશાંત કેસ સાથે સીધો સંબંધ
આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, ડિનો મોરિયા સામે ગંભીર આરોપઃ માજી મેયર કિશોરી પેડણેકર અને મુંબઈ પોલીસે દબાણ કર્યાનો આક્ષેપ
દિશાના મોતના પાંચ જ દિવસ બાદ સુશાંતે ગળેફાંસો ખાધો હતોઃ વાનખેડે જેવા અધિકારી કે એનઆઈએને તપાસ સોંપવા માગણી
મુંબઈ - દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની ઘટના ફરી એક વાર ચર્ચામાં આવી છે.દિશાના પિતા સતીષ સાલિયને હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રીના મૃત્યુનો કેસ ફરી ઓપન કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ દિશાની હત્યા થઈ છે તે આત્મહત્યા કરે એવી નહોતી. દિશાના મૃત્યુને સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે સંબંધ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. દિશા પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો અરજીમાં કરાયો છે.
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન આઠ જૂન ૨૦૨૦ના રોજ મુંબઈની એક ઈમારતના ૧૪મા માળેથી પડીને મૃત્યુ પામી હતી. આ ઘટના આત્મહત્યા હતી કે કાવતરું તેની ચર્ચા ફરી ચાલુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસ આત્મહત્યામાં ખપાવી નાખ્યો હતો. મૃત્યુ સમયે દિશા ૨૮ વર્ષની હતી.
દિશાના પિતાએ અરજીમાં દાવો કર્યો છે કે તેમને ગેરમાર્ગે દોરીને દબાણ હેઠળ લવાયા હતા. મુંબઈ પોલીસ અને માજી મેયર કિશોરી પેડણેકરે તેમના પર દબાણ કર્યું હોવાનો દાવો અરજીમાં કર્યો છે. દિશાના પિતાએ શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડિનો મોરિયા સામે પણ ગંભીર આરોપો કર્યા છે.
તેમણે આ કેસની તપાસ સમીર વાનખેડે જેવા અધિકારીના નેજા હેઠળ કરવામાં આવે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવે એવી માગણી કરી છે.એક ચેનલ સાથેની વાતચીતમાં સતિષ સાલિયાને જણાવ્યું હતું કે દિશા ૧૪મા માળેથી પડયા બાદ પણ તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા.
દિશાના મૃત્યુના પાંચ દિવસ બાદ ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના ઘર ફાંસી ખાધેલી હાલતમાં મળ્યો હતો. અ ેવખતે બંનેના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે અટકળો થઈ હતી.
દિશાના પિતા સતીશ સાલિયને પાંચ વર્ષ બાદ આ કેસ અંગે પોતાનું મૌન તોડયું છે. એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું છે કે દિશાની હત્યા થઈ હતી તે ચોક્કસ છે. દિશાના મૃતદેહ પર ઈજાનાં કોઈ નિશાન ન હતાં. કોઈ વ્યક્તિ ૧૪મા માળેથી નીચે પટકાય અને તેના શરીર પર ઈજાનાં નિશાન ન હોય તે કેવી રીતે શક્ય બને.
દિશાના મૃતદેહ જ્યાંથી મળ્યો હતો તે જગ્યાએ પણ કોઈ લોહીના ધાબાં કે ખાબોચિયાં ન હતાં. તેના કપડાં પર પણ લોહીના ડાઘ ન હતા. પરિવારને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપાયો ત્યારે તેના શરીર, ચહેરા,માથે ક્યાંય ગંભીર ઈજાના નિશાન ન હતાં. જોકે, તેના પીએમ રીપોર્ટમાં માથે તથા અન્ય ભાગો પર ગંભીર ઈજાથી મૃત્યુ થયાનું જણાવાયું હતું.
દિશાના પિતાએ ચેનલને જણાવ્યું હતું કે તે સમયે તેમનું મગજ એવું ફેરવી નાખવામાં આવ્યું હતું કે પોતે પોલીસે કહ્યું તે બધું જ સાચું માની લીધું હતું.
સવા વર્ષ પહેલાં મહારાષ્ટ્ સરકારે દિશા કેસમાં એસઆઈટી રચી છે
મહારાષ્ટ્ર સરકારે ડિસેમ્બર ૨૦૨૩માં દિશા સાલિઅન કેસના સંજોગોની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. તે વખતે ભાજપના ધારાસભ્ય અને હાલના મહાયુતિ સરકારના મંત્રી નિતેશ રાણેએ દિશા સાલિઅન કેસને રફેદફે કરી નખાયો હોવાના આક્ષેપો કર્યા હતા. નિતેશ રાણેએ ત્યારે આ કેસમાં આદિત્ય ઠાકરેની તપાસ કરવાની માગણી પણ કરી હતી.