સની અને બોબીએ પ્રાર્થના સભા યોજી હતી
હેમા માલિનીએ ધર્મેન્દ્રને અંજલિ માટે પોતાની રીતે ઘરેથી અલગ પૂજા રાખી
મુંબઈ - થોડા દિવસો પહેલાં અવસાન પામેલા પીઢ કલાકાર ધર્મેન્દ્રની મુંબઈના બાન્દ્રામાં તેમના દીકરાઓ સની તથા બોબી દેઓલ દ્વારા યોજાયેલી એક પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની તથા તેની દીકરીઓ ઈશા તથા આહનાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
આ પ્રાર્થના સભામાં શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી. જોકે, હેમા તથા તેની દીકરીઓ ઉપસ્થિત રહ્યાં ન હતાં. તેને બદલે હેમાએ પોતાના ઘરે અલગથી પૂજા રાખી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રની બંને પત્નીઓ પ્રકાશ કૌર તથા હેમા માલિનીના પરિવારોએ આટલા દાયકાઓથી એકમેકથી હંમેશાં અંતર જાળવ્યું છે. બંને પરિવારોનો સભ્યો એકમેકને ત્યાં સારામાઠા પ્રસંગે હાજર રહ્યા હોય તેવું બહુ ઓછી વાર બન્યુું છે. બંને પત્નીઓના સંતાનો દ્વારા ધર્મેન્દ્ર માટે એક સંયુક્ત પ્રાર્થના સભાનું આયોજન પણ શક્ય બન્યું નથી.
વાસ્તવમાં ધર્મેન્દ્ર આ બંને પત્નીઓ તથા સંતાનો વચ્ચે એકમાત્ર કોમન કડી રુપ હતા. હવે તેમના વચ્ચે કેવા સંબંધો રહે છે તે અટકળોનો વિષય છે.


