નાગપુરમાં ઘરની બાલ્કનીમાંથી પસાર થતો ફ્લાયઓવર ચર્ચાનો વિષય બન્યો, મગજ ચકરાવે ચઢી જશે
Nagpur Bridge News : નાગપુરમાં નવો બંધાતો ફલાયઓવર બ્રિજ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફલાયઓવરનો એક હિસ્સો અશોક ચોક સ્થિત એક મકાનની બાલ્કનીમાંથી પસાર થાય છે. આ બાલ્કનીનું દ્રશ્ય સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ દૂર દૂરથી લોકો આ બાલ્કની જોવા ઉમટવા માંડયા છે.
નાગપુરમાં દિગોરી અને ઈંદોરાને જોડતા સૌથી લાંબા ફલાયઓવર બ્રિજનું બાંધકામ આગળ વધી રહ્યું છે. આ બ્રિજનો એક ભાગ અશોક ચોકમાં રહેતા પ્રવીણ પત્રેના મકાનની બાલ્કનીની અંદરથી પસાર થાય છે. આમ છતાં પત્રેને કોઈ જ વાંધો નથી.
મકાનમાલિકે કહ્યું હતું કે ફલાયઓવર બ્રિજનું બાંધકામ શરૂ થયું એ પહેલાં સંબંધિત વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હતી કે બ્રિજનો ભાગ બાલ્કનીમાંથી પસાર થશે ત્યારે પણ મેં કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. કારણ કે જે બાલ્કનીમાંથી બ્રિજ પસાર થાય છે એ યુટીલીટી એરિયા નથી. બીજું સુરક્ષાની પણ કોઈ ચિંતા નથી. પત્રેની દીકરી સૃષ્ટિ પત્રેએ જણાવ્યું હતું કે ફલાયઓવર બંધાઈ જશે. ત્યાર પછી નોઈઝ રિડકશન માટેની જોગવાઈ કરશું.
દિગોરી- ઈંદૌરા રૂટ પર 9.2 કિલોમીટર લાંબો આ ફલાયઓવર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની દેખરેખમાં 998 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે.
આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નાગપુરના પ્રોજેક્ટ ડિરેકટર સિંહાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી જે મકાનની બાલ્કનીમાંથી ફલાયઓવરનો હિસ્સો પસાર થાય છે એ બાલ્કની ગેરકાયદે બંધાવેલી છે. એટલે અમે આ બાબતમાં નાગપુર મહાનગરપાલિકાને પત્ર લખી અનધિકૃત બાલ્કની વિશે જાણ કરી છે. આ ગેરકાયદે બાકની હટાવવાની જવાબદારી મહાપાલિકાની છે.