Mumbai

અકસ્માત બાદ દિવ્યાંગજનનો હંગામો, ડે. સીએમ શિંદે આવે પછી જ હું ખસીશ

By GS TEAM
19 Oct 20252 mins read
અકસ્માત બાદ દિવ્યાંગજનનો હંગામો, ડે. સીએમ શિંદે આવે પછી જ હું ખસીશ

મેટ્રો ચારનાં કામને કારણે અકસ્માત થયાનો દાવો

કાર દ્વારા ટક્કર બાદ સામાન્ય ઈજા થઈ : હંગામો મચાવતાં પોલીસ દોડતી થઈ, માંડ માંડ સમજાવટ આદરીઃ 

મુંબઈ: થાણે  શહેરમાં શનિવારે થયેલા અકસ્માત બાદ એક  દિવ્યાંગ વ્યક્તિએ પોતાના વિશેષથી વ્હિલર સ્કૂટર પરથી નીચે પડી ગયા બાદ ઘટનાસ્થળેથી હટવાનો ઈનકાર કરી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બોલાવવાની માગણી સાથે હંગામો મચાવ્યો હતો. ટ્રાફિક પોલીસે ઘટનાની જાણ થતા જ ત્યાં પહોંચી તે વ્યક્તિને તેની આવી માગણી છોડી ત્યાંથી હટી જવા માટે સમજાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં આ વ્યક્તિએ મેટ્રો-૪ના કામને અકસ્માત માટે જવાબદાર ઠેરવી હટવાનો ધરાર ઈનકાર કર્યો હતો.

આ બાબતે અધિકારીઓએ વધુ વિગત આપતા જણાવ્યુું હતું કે થાણે-ઘોડબંદર રોડ પર માનપાડા મેટ્રો સ્ટેશન  નજીક નિર્માણાધીન મેટ્રો-૪ લાઈન પર એક મોટરસાઈકલે એક    દિવ્યાંગ વ્યક્તિને લઈ જતા ત્રણ પૈડાંવાળા સ્કૂટરને ટક્કર મારી હતી. આ ઘટના બાદ વ્યક્તિ રસ્તા પર પડી ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે તેણે આ અકસ્માત માટે મેટ્રોના કાર્યને જવાબદાર ઠેરવી સ્થળ પરથી ખસવવાનો ઈનકાર કર્યો હતો.  તેણે ઘટના સ્થળે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મળવા આવે તેવી માગણી ચાલુ રાખી હતી.

ઘાયલ  વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે હંગામા દરમિયાન એક અજાણ્યો ઓટોરિક્ષા ચાલક તેની એલ્યુમિનિયમનની વોકિંગ સ્ટીક છીનવીને ભાગી ગયો હતો. આ વ્યક્તિએ હંગામો મચાવતા વ્યસ્ત રસ્તા પર વાહનોની અવરજવર પર થોડા સમય માટે અસર થઈ હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળેે દોડી જઈ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપી આ વ્યક્તિને શાંત પાડયો હતો. આ બાબતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બાદમાં તે વ્યકિત સ્થાનિક પોલીસ મથકમાં પોતાની સ્ટીક અંગે ફરિયાદ નોંધાવવા ગયો હતો.

આ  બાબતે મુંબઈ મેટ્રો-૪ સાથે જોડાયેલા અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે અકસ્માત સમયે ચોક્કસ સ્થળે કોઈ બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી નહોતી તેમણે આગળ જણાવ્યું હતું કે રસ્તો પણ મોટર ચલાવવા યોગ્ય સ્થિતિમાં છે અને  મેટ્રો પ્રોજેકટને લગતા કોઈ અવરોધ પણ અહીં નથી.