Mumbai

મીઠી કૌભાંડમાં ડિનો મોરિયોની વધુ એકવાર ઈડી દ્વારા પૂછપરછ

By GS TEAM
20 Jun 20252 mins read
મીઠી કૌભાંડમાં ડિનો મોરિયોની વધુ એકવાર ઈડી દ્વારા પૂછપરછ

અગાઉ પણ ઈડી તથા ઈઓડબલ્યૂ દ્વારા પૂછપરછ થઈ છે

મોરિયાના ઘર  પર પણ દરોડા પડી ચૂક્યા છેઃ વચેટિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાની આશંકા

મુંબઈ -  65 કરોડના મીઠી નદીના ગાળ કાઢવાના કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં આજે બોલીવુડ અભિનેતા ડીનો મોરિયા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયો હતો. જ્યાં આજે ફરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. 

ડીનો મોરિયા યુવા સેનાના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેના નજીકનો સાથી હોવાનું માનવામાં આવે છે. ઈડીએ આ કૌભાંડમાં આરોપીઓ અને શંકાસ્પદો દ્વારા મેળવવામાં આવેલી રકમ, ખરીદવામાં આવેલી પ્રોપર્ટીના સ્ત્રોતની તપાસ શરૃ કરી હતી. ઈડીએ અગાઉ દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને પ્રોપર્ટીની તપાસની માટે આઠ લોકોને સમન્સ પાઠવ્યા હતા. એમાં ડીનો મોરિયાનો પણ સમાવેશ થાય છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ઈડી  દ્વારા સમન્સ પાઠવ્યા બાદ મોરિયા આજે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડી ઓફિસમાં આવ્યો હતો.

મીઠી નદીના ગાળ કાઢવાના કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસ આર્થિક ગુના શાખા દ્વારા અગાઉ  ઝડપાયેલા કેટલાક આરોપી સાથેના નાણાકીય વ્યવહારોના કારણે અભિનેતા અને તેના ભાઈનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

આ પહેલાં ૧૨ જૂનના ઈડી અધિકારીઓ દ્વારા મોરિયાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં ઈડીએ ૬ જૂનના મુંબઈ અને કેરળના કોચીમાં ૧૫થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. એમાં બાંદરામાં ડીનો મોરિયાના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે બીએમસી અધિકારીઓએ ડિલિસ્ટિંગ કોન્ટ્રાકટ માટે ટેન્ડર એવી રીતે તૈયાર કર્યું હતું કે તેનાથી મશીનરીના ચોક્કસ સપ્લાયરને ફાયદો થયો હતો. કોન્ટ્રાકટરોએ ગાળ કાઢવા માટે બનાવટી બિલો બનાવ્યા હતા.

ગયા મહિને પણ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ અભિનેતા અને તેના ભાઈની પૂછપરછ કરી હતી.