Mumbai

થાણે મેરેથોનમાં 21 કિમી દોડયા બાદ ઘરે પરત ફરતાં હાર્ટ એટેકથી મોત

By GS TEAM
12 Aug 20252 mins read
થાણે મેરેથોનમાં 21 કિમી દોડયા બાદ ઘરે પરત ફરતાં હાર્ટ એટેકથી મોત

વિદેશથી રજા પર આવેલા આધેડ નિયમિત મેરેથોનમાં ભાગ લેતા હતા

શિક્ષિકા પત્નીએ પણ ૧૦ કિમી કેટેગરીમાં ભાગ લીધો હતોઃ ઘરે પરત ફર્યા બાદ અચાનક તબિયત બગડી  

મુંબઇ -  થાણે મહાપાલિકા દ્વારા રવિવારે યોજાયેલી વર્ષા મેરેથોનમાં ૨૧ કિમી સુધી દોડયા બાદ ઘરે  પહોંચેલા માનપાડાના ૪૫ વર્ષીય દોડવીરનું અચાનક મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકથી તેમનું  મોત થયાનું મનાય છે.  થાણે 

લાંબા સમયથી વિદેશમાં રહેતા બેન્ની  દેવાસી થોડા  સપ્તાહો પહેલાં જ  રજાઓ દરમિયાન થાણે આવ્યા હતા. તેઓ વર્ષોથી મેરેથોનમાં ભાગ  લે છે.  તેઓ દેશવિદેશની મેરેથોનમાં પુરસ્કારો જીતી ચૂક્યા છે.  તેમના પરિવારમાં પત્ની ઉપરાંત પુત્ર તથા પુત્રીનો સમાવેશ થાય છે. આ જ મેરેથોનમાં તેમનાં શિક્ષિકા  પત્નીએ પણ ૧૦ કિમીની કેટેગરીમાં ભાગ લીધો હતો. 

મેરેથોન પૂર્ણ થયા બાદ પતિ-પત્ની બંને ઘરે પાછાં આવ્યાં હતાં.  ઘરે પહોંચ્યા બાદ દેવાસીને અચાનક બેચેની થવા લાગી હતી. તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ બપોર બાદ તેમનું મૃત્યુ થયાનું જણાવાયું હતું. જોકે, પરિવારજનો તેમને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેમના પડોશીઓએ જણાવ્યું હતું કેે મેરેથોન પતાવ્યા બાદ તેઓ ઘરે પાછા આવ્યા અને હળવો નાસ્તો લીધા બાદ તેમની તબિયત લથડી હતી. તેમણે બેચેનીની ફરિયાદ કરી અને તેમને ઉલટીઓ થઇ હતી. તેમનું આવું મોત આઘાતજનક છે કારણ કે તેઓ પોતાના સ્વાસ્થય બાબતે બહુ જાગરુક હતા.  થાણે મહાપાલિકાના અધિકારીઓએ આ ઘટના અંગે કોઈ માહિતી નહિ હોવાનુ કહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે મેરેથોન દરમિયાન કે તે પછી પણ કોઈ દોડવીરે અસ્વસ્થતાની ફરિયાદ કરી ન  હતી.પાલિકાએ મેરેથોન દરમ્યાન રૃટ પર ૧૩ એમ્બ્યુલન્સ તૈનાત કરી હતી.તેમાં દોડવીરોને  ઉઝરડા, થાક અન અને બીજી નાની મોટી સારવાર આપવામાં આવી હતી. આ કિસ્સાની વધુ તપાસ પાલિકા કરશે તેમ તેમને સ્પષ્ટ કર્યું હતું.