Get The App

પીએમ નરેન્દ્ર મોદીને ધર્મેન્દ્ર ,શાહરૃખ અને આલિયા ભટ્ટે જન્મદિનની શુભેચ્છાઓ આપી

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
પીએમ નરેન્દ્ર મોદીને  ધર્મેન્દ્ર ,શાહરૃખ અને આલિયા ભટ્ટે જન્મદિનની શુભેચ્છાઓ આપી 1 - image


દૂરદર્શને ફિલ્મ હસ્તીઓના શુભેચ્છાઓના વિડિયો મેસેજીસ પ્રસારિત કર્યા  

75 વર્ષની ઉંમરે પણ તમારી ગતિ અને ઉર્જા અમારા જેવા યુવાનોને શરમાવે છેઃ શાહરૃખખાન

હિન્દી ફિલ્મ જગતની નામી હસ્તીઓ ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, શાહરૃખખાન અને આલિયા ભટ્ટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૫મા જન્મદિને બુધવારે શુભેચ્છાઓ પાઠવી તેમની નેતાગીરી, સમર્પણ અને રાષ્ટ્રઘડતરમાં તેમના પ્રદાનની પ્રશંસા કરી હતી. જાહેર પ્રસારણકાર દૂરદર્શન દ્વારા ફિલ્મ હસ્તીઓના વિડિયો મેસેજીસને તેના સોશ્યલ હેન્ડલ્સ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને આશા ભોસલે, આમિરખાન, અજય દેવગણ, મહેશ બાબુ અને એસએસ રાજામૌલિએ વિડિયો મેસેજીસ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. 

 થોડા દિવસ અગાઉ પોતાની તબિયતની પૂછપરછ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનતાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેમણે મને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર મજબૂત રહેજે. તમારા શબ્દોએ મને જબરદસ્ત હિંમત અને ઉર્જા આપી છે. આજે હું એ મહાન માતાને સલામ કરૃ છું જેણે આવા પનોતા પુત્રને જન્મ આપ્યો છે. તમારા આગમન બાદ દેશનો ચહેરોમહોરો ઘણી રીતે બદલાઇ ગયો છે, તમે દેશમાં ખુશી લાવ્યા છો. તમે ભારતના મહાન પુત્રોમાંના એક છો જેમણે દેશનો ઉદ્ધાર કર્યો છે. 

અભિનેતા જિતેન્દ્રએ જણાવ્યું હતું કે તેમની યાદદાસ્ત અસામાન્ય છે તેઓ જેમને એકવાર મળે તેમને કદી ભૂલતાં નથી. તેમણે મહાન કામગીરી બજાવી છે. હું તેમના આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને દેશને આગળ લઇ જવાના પ્રયાસોમાં તેમને સતત સફળતા મળે તેવી પ્રાર્થના કરૃ છું. 

શાહરૃખખાને જણાવ્યું હતું કે તેમનો નાના શહેરમાંથી દુનિયાના મંચ સુધીનો પ્રવાસ પ્રેરણાદાયી છે. તમારા આ પ્રવાસમાં તમારી શિસ્ત, મહેનત અને દેશ પ્રત્યેનું સમર્પણ ઝલકે છે. સત્ય તો એ છે કે ૭૫ વર્ષની ઉંમરે પણ તમારી ગતિ અને ઉર્જા અમારા જેવા યુવાનોને શરમાવે તેવી છે. તમે હમેંશા તંદુરસ્ત, સજ્જ અને ખુશ રહો તેવી હું  પ્રાર્થના કરૃ છું. આમિર ખાને જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં તમારું પ્રદાન હમેંશા યાદ કરવામાં આવશે. આ ખુશીના પ્રસંગે હું તમારા દીર્ઘાયુષ્ય માટે અને તમે દેશને પ્રગતિના પથ પર દોરતાં રહો તેવી  પ્રાર્થના કરૃ છું. આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે આપણાં મહાન દેશના ભવિષ્યને તમારી નેતાગીરી આકાર આપતી રહે અને અમને વધારે પ્રગતિ ભણી દોરતી રહે. તમારા આરોગ્ય, શક્તિ અને સફળતા હમેંશા વધતાં રહે તેવી શુભેચ્છાઓ. 

ગાયિકા આશા ભોસલેએ તેમની આરોગ્ય વર્ધક જીવનશૈલી અને તેમની શિસ્તની પ્રશંસા કરતાં જણાવ્યું હતુંં કે તેઓ રોજ વહેલી સવારે ચાર વાગે ઉઠી જઇ યોગાભ્યાસ કરે છે. મેં તેમને કદી કોઇના વિશે ઘસાતું બોલતાં સાંભળ્યા નથી. મને લાગે છે કે તેઓ એક દયાળુ દિલના ઇન્સાન છે. તેઓ હમેંશા લોકોને હસાવે છે. 

દુનિયાના મંચ પર ભારતનું સ્થાન મજબૂત બનાવવાના મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં એસ.એસ. રાજામૌલિએ જણાવ્યું હતું કે ૭૫ વર્ષની વયે તમે ૫૦ના હો તેવો તમારો જુસ્સો અને ઉર્જા પ્રેરણાદાયી છે. અસરકારક વિદેશનીતિ દ્વારા તમે દુનિયાને ભારતને એક શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપુર દેશ તરીકે જોવાની ફરજ પાડી છે. આગામી વર્ષો તમારે માટે વધારે ભવ્ય બની રહે અને તમે આગામી પેઢીઓના પણ માર્ગદર્શક પરિબળ બની રહો તેવી શુભેચ્છા. આ ઉપરાંત અનુપમ ખેર, કંગના રનૌત, હેમા માલિની, પરેશ રાવલ, અક્ષય કુમાર,સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, મહેશ  બાબુ અને અજય દેવગણે પણ વડાપ્રધાનને તેમના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.  


Tags :