ધરમ અને વીરૃ જેવાં અનેક પાત્રોને ધર્મેન્દ્ર જીવી ગયા

ગુડ્ડીમાં ખુદ પોતાનું પાત્ર ભજવ્યું
મનમોહન દેસાઈથી માંડીને હૃષિકેશ મુખર્જી સહિતના દિગ્દર્શકોના હિરો બન્યા
મુંબઈ - છ દાયકાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવી અને આર્ટ ફિલ્મોના ડાયરેક્ટરોથી માંડીને કમર્શિયલ ફિલ્મોના ખેરખાંઓ સાથે એકદમ સહજતાથી કામ કરીને આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા ધર્મેન્દ્રના ફિલ્મી પડદા પર ભજવેલા પાત્રોને આજે પણ લોકો ભૂલ્યા નથી.
કોઈ ધર્મેન્દ્રને શોલેના વીરૃ તરીકે તો કોઈ હકિકતના બહાદુર તરીકે, કોઈ મેરા ગાંવ મેરા દેશના અજિત તો કોઈ યાદોં કે બારાતના શંકર કે પછી બ્લેકમેલના કૈલાશ ગુપ્તા તરીકે યાદ કરે છે. જોકે એકમાત્ર ગુડ્ડી ફિલ્મમાં ધર્મેન્દ્રએ ધર્મેન્દ્રની ભૂમિકા ભજવી હતી.
બોલીવુડના દિગ્ગજ દિગ્દર્શકો રમેશ સીપ્પી, મનમોહન દેસાઈ, ઋષિકેશ મુખર્જી, રાજ ખોસલા, રામાનંદ સાગર અને ફિલ્મસર્જક ગુલઝાર સાથે અનેક ફિલ્મોમાં એકદમ સહજતાથી પાત્રને ન્યાય આપનારા ધર્મેન્દ્ર રેન્જ અભૂતપૂર્વ હતી. લોકો ભલે તેને બોલીવુડના હી-મેન તરીકે ઓળખે, પણ એમણે જે ભૂમિકાઓ ભજવી તેને જીવી ગયા હતા. એટલે જ તો લોકોની જીભે હજી તેમણે ભજવેલા પાત્રોના નામો પણ રમે છે. ઋષિકેશ મુખર્જીની ચૂપકે ચૂપકે ફિલ્મના ડો. પરિમલ ત્રિપાઠીને કોણ ભૂલી શકે?
ધર્મેન્દ્ર દેખાવમાં સૌથી સુંદર અભિનેતા તરીકે ઓળખાતા હતા. હકિકતમાં તે બહુમુખી પ્રતિભા ધરાવતા એકટર હતા. સૌથી વધુ હિટ- ફિલ્મો આપનારા સુપરસ્ટાર હતા. ૧૯૬૦થી ૨૦૨૫ સુધી ફિલ્મના સેટ પર સક્રિય રહેલા ધર્મેન્દ્ર હંમેશ દિલથી જુવાન રહ્યાં હતા.
'શોલે'ના જય (અમિતાભ બચ્ચન) અને વીરૃ (ધર્મેન્દ્ર)ની જોડીએ પડદા પર ગીત ગાયેલું ઃ યે દોસ્તી હમ નહીં તોડેંગે.... એ દોસ્તી અતૂટ રાખીને આજે ધર્મેન્દ્રએ વિદાય લીધી ત્યારે વિલેપાર્લેની સ્મશાનભૂમિ પર પહોંચેલા જય એટલે અમિતાભ બચ્ચનના ચહેરા પર દોસ્તની વિદાયની ગમગીની સ્પષ્ટ જોઈ શકાતી હતી.

