Mumbai

ડીજીસીએની એર ઈન્ડિયાને વિમાનો ફરી ચકાસવાની તાકીદ

By GS TEAM
13 Oct 20252 mins read
ડીજીસીએની એર ઈન્ડિયાને વિમાનો ફરી ચકાસવાની તાકીદ

બોઈંગ ડ્રીમલાઈનરમાં ઉપરાઉપરી ખામી સર્જાતા

નિયામકની બોઈંગને પણ આરએટી તૈનાતી બાબતે વૈશ્વિક ડાટા અને નિવારક પગલા વિશે અહેવાલ આપવાની તાકીદ

મુંબઈ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ એર ઈન્ડિયાને જેના પાવર કન્ડીશનીંગ મોડયુલ (પીસીએમ) તાજેતરમાં બદલવામાં આવ્યા હોય એવા તમામ વિમાનો પર રેમ એર ટર્બાઈન (આરએટી) સ્ટોવેજનું ફરીથી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. એર ઈન્ડિયાના ડ્રીમલાઈનર કાફલા સાથે સંકળાયેલી એક અઠવાડિયાની અંદર બે તકનીકી ઘટનાઓને પગલે આ નિર્દેશ આપવામાં આવ્યો છે.

૪ ઓક્ટોબરે અમૃતસરથી બર્મિંગહેમ જતી બોઈંગ ૭૮૭ ફ્લાઈટમાં લેન્ડિંગ અગાઉ આરએટી આપમેળે સક્રિય થઈ ગયું હતું, જો કે વિમાન સુરક્ષિતપણે લેન્ડ થયું  હતું.  ૯ ઓક્ટોબરે વિયેનાથી દિલ્હીની અન્ય ડ્રીમલાઈનર ફ્લાઈટમાં ઓટોપાયલટ સીસ્ટમ નિષ્ફળતાએ બહુવિધ ટેકનીકલ ખામી સર્જતા ફ્લાઈટને દુબઈ વાળવામાં આવી હતી.  આરએટી ઈમરજન્સી ટર્બાઈન્સ છે જે ડુઅલ એન્જિન અથવા કુલ એન્જિન નિષ્ફળતા સમયે ઊર્જા પૂરી પાડે છે.

એર ઈન્ડિયાએ કોઈપણ ઈલેક્ટ્રીકલ ખામીનો ઈન્કાર કર્યો હોવા છતાં ડીજીસીએ પીસીએમ બાબતે સંભવિત કડીની તપાસ કરી રહ્યું છે, જે વિમાનમાં પાવર વિતરણ માટે જવાબદાર મહત્વનું મોડયુલ છે. નિયામકે એરલાઈનને પણ તાજેતરના પીસીએમ ફેરફારમાંથી ઉદ્ભવેલી વિસંગતીઓ ઓળખવા ડી ચેક જાળવણી પ્રક્રિયાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. ફેડરેશન ઓફ પાયલટ્સ (એફઆઈપી)એ બહુવિધ સીસ્ટમ નિષ્ફળતા અને મહત્વની સીસ્ટમો વિના રાત્રે મેન્યુઅલી ફ્લાઈટનું સંચાલન કરતા પાયલટોએ સામનો કરવા પડતા જોખમો ટાંકીને સમગ્ર બોઈંગ ૭૮૭ કાફલાને ભૂમિગત કરવાની તેમજ વિશેષ સુરક્ષા ઓડિટ કરવાની અપીલ કરી છે. 

ડીજીસીએએ બોઈંગને આરએટી તૈનાતી, નિવારક પગલા અને પીસીએમ બદલી પછી વિશ્વની કોઈપણ એરલાઈન્સને થયેલી મુશ્કેલીનો અહેવાલ સુપરત કરવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે નિયામકે એર ઈન્ડિયાના ડ્રીમલાઈનર કાફલાની વિશ્વસનીયતા બાબતે વધતી ચિંતા વચ્ચે તેની સલામતી પદ્ધતિની ચકાસણી તીવ્ર બનાવ્યા પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.