Get The App

ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસના પ્રહાર શરૂ

- સમાન લઘુત્તમ કાર્યક્રમ

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસના પ્રહાર શરૂ 1 - image


મુંબઇ, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનપદના શપથવિધિ સમારોહમાં હાજરી આપ્યાને એક કલાક કરતા પણ ઓછા સમયમાં જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્રણ પક્ષોએ તૈયાર કરેલા સમાન લઘુત્તમ કાર્યક્રમ (કોમન મિનિમમ પ્રોગ્રામ)ની જોરદાર ટીકા કરી હતી.

ફડણવીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીનો સમાન લઘુત્તમ કાર્યક્રમ સંખ્યાબંધ જાહેરાતોનો પટારો માત્ર છે, પણ તેમાં મરાઠવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રનો ઉલ્લેખ માત્ર પણ નથી, આ વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત રહ્યા છે. આ બહુ કમનસીબ છે. આશા રાખીએ નવી સરકાર આ વિસ્તારના લોકોની જરૂરિયાતો પર ધ્યાન આપશે. ફડણવીસ ભાજપ રાજ્ય એકમના પ્રમુખ પણ છે, તેથી તેમણે શિવાજી પાર્કમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં હાજરી આપી હતી.

મુંબઇના ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ભાજપના વિધાનસભ્યો માટેના આમંત્રણ મોડેથી પક્ષના વડા મથકે મળ્યા હતા. 'અમને ત્યાં બેઠક વ્યવસ્થા કેવી હતી, તેની કોઇ જાણ જ નહોતી, તેથી વિદાય લેનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સિવાય અન્ય કોઇએ સમારોહમાં હાજરી આપવા ગયું નહોતું.

રાજ્યની સૌથી મોટા પક્ષ-ભાજપના વિધાનમંડળ પક્ષના પણ ફડણવીસ વડા છે અને તેઓ વિપક્ષી નેતા પણ છે અને તેથી જ તેમણે નવી સરકાર સત્તાસ્થાને આવતાં જ તેના પર બેલેસ્ટિક છોડવાનો નિર્ણય કર્યો હોય, એવું જણાઇ રહ્યું છે.

ભાજપ સાથે શિવસેનાએ જોડાણ તોડી નાખ્યું અને બાદમાં એન.સી.પી.ના અજિત પવારે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો એને ધ્યાનમાં રાખીને ભાજપે આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. આથી જ તેઓ દરેક પત્રકાર પરિષદમાં એવું કહે છે કે પ્રજાએ જનમત ભાજપ-શિવસેના મહાયુતિને આપ્યો છે અને અઢી વર્ષ માટે શિવસેનાને મુખ્ય પ્રધાન પદ આપવાનું વચન અમે આપ્યું જ નથી. તેઓ એવું વારંવાર દોહરાવતા રહે છે. આ ઉપરાંત અજિત પવાર સાથે થયેલા ટૂંકા ગાળાના જોડાણનો કોઇ લાભ નહીં મળ્યો અને ઉલટાનું મૂંઝવણભરી સ્થિતિમાં મુકાવું પડયું.

'ભાજપ હવે વિપક્ષોની સમગ્રતયા સ્થાન પર બિરાજશે અન શિવસેના દ્વારા હિન્દુત્વની જગ્યા ખાલી પડી છે. અમે લોકો સમક્ષ આ મુદ્દાને ઉપસ્થિત કરીશું. એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.

ફડણવીસને મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાને ખાલી કરવાનું હજુંય બાકી છે. તેમણે મુખ્ય પ્રધાનપદેથી ૨૭મી નવેમ્બરે રાજીનામું આપ્યું, તેમણે ૧૫ દિવસમાં આ બંગલો ખાલી કરવો પડશે, એમ સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.

Tags :