Mumbai

ફટાકડાંનો ભાવ 25 ટકા વધવા છતાં ખરીદીને કોઈ અસર નહીં

By GS TEAM
19 Oct 20252 mins read
ફટાકડાંનો ભાવ 25  ટકા વધવા છતાં ખરીદીને કોઈ અસર નહીં

ફટાકડાંને મોંઘવારી ન નડી!

તામિલનાડુમાં વરસાદ અને નાગપુરમાં ફેક્ટરીમાં  આગ લાગતાં ફટાકડાંનું નિર્માણ અને પૂરવઠો ઘટયાં

મુંબઈ -  દિવાળીમાં આ વર્ષે ફટાકડાંઓના નિર્માણ અને વેચાણનો ખર્ચ વધ્યો છે. ફટાકડાંની કિંમતમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. જોકે આ કિંમત વધ્યા છતાં દિવાળી ધામધૂમથી મનાવવા માટે ફટાકડાંની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે અને તેના વેચાણમાં સારો પ્રતિસાદ હોવાનું પણ જણાયું છે. 

મોટા અવાજ કરતાં ફટાકડાં સાથે જ આકાશમાં ઊંચે જઈ રોશની કરતાં ફટાકડાંઓની માગ વધુ છે. મુંબઈમાં તામિલનાડુથી મોટા પ્રમાણમાં ફટાકડાં આવતાં હોય છે. દક્ષિણ ભારતમાં આ વર્ષે છેલ્લાં બે મહિનાથી વરસાદનું પ્રમાણ વધુ હોવાથી ફટાકડાંના ઉત્પાદન પર પણ તેની અસર પડી છે. કારણ તેનો કાચો માલ બનાવવામાં અને ફટાકડાં બનાવવામાં પણ અનેક મુશ્કેલીઓ આવી હતી. વળી નાગપુરમાં પણ ફટાકડાંના કારખાનામાં આગ લાગી હતી. આથી દિવાળી સુધી અપેક્ષિત ફટાકડાં બનાવી શકાયા નથી. પરિણામે દર વર્ષ પ્રમાણે ફટાકડાંના પૂરવઠામાં ઘટાડો થયો છે. આથી તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જોકે તેની ખરીદી પર કોઈ અસર થઈ નથી.

મસ્જિદ બંદર, કુર્લા, મલાડ, થાણેના હોલસેલ ફટાકડાં વિક્રેતાઓની દુકાનોમાં મોટી ભીડ જોવા મળી રહી છે. શનિવારે સાંજે પણ આ ભીડ જોવા મળી હતી અને રવિવારે પણ ફટાકડાંનું સારું એવું વેચાણ થશે, એવો અંદાજ વેપારીઓએ સેવ્યો છે.  હાલ માર્કેટમાં ફૂલઝરી, પાઉસ, ભૂચક્રી ઉપરાંત રોકેટ, રસીબોમ્બ સહિતના પ્રચલિત ફટાકડાઓની માગણી તરફ લોકોનો પ્રતિસાદ વધુ જોવા મળી રહ્યો છે.