Mumbai

પતિને શારીરિક સંબંધનો ઈનકાર, અફેરની શંકા ક્રૂરતા જ ગણાયઃ હાઈકોર્ટ

By GS TEAM
18 Jul 20252 mins read
પતિને શારીરિક સંબંધનો ઈનકાર,  અફેરની શંકા ક્રૂરતા જ ગણાયઃ હાઈકોર્ટ

પતિના મિત્રો સામે તેનું અપમાન કરવું એ પણ ક્રૂરતા છેઃ કોર્ટ

પતિએ કરેલી છૂટાછેડાની અરજી માન્ય રાખતા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પત્નીની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

મુંબઈ -  પતિને શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરવો અને તેના લગ્નબાહ્ય સંબંધ હોવાની શંકા કરવી એ ક્રૂરતા  છે અને આથી છૂટાછેડા માટેનું કારણ બની શકે છે, એમ બોમ્બે હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશને પડકારતી મહિલાની અરજીમાં રાહત અપાવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું.

પતિએ કરેલી છૂટાછેડાની અરજી માન્ય કરતા ફેમિલી કોર્ટના આદેશને મહિલાએ પડકાર ફેંક્યો હતો અને મહિને રૃ. એક લાખનું ભરણપોષણ માગતી અરજી પણ કરી હતી.

દંપતી ૨૦૧૩માં પરણ્યું હતું પણ ડિસેમ્બર ૨૦૧૪થી વિખૂટા પડયા હતા.  ૨૦૧૫માં પુણેની ફેમિલી કોર્ટે ક્રૂરતાના આધારે પતિની છૂટાછેડાની અરજી માન્ય કરી હતી. મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે સાસરિયા તેને ત્રાસ આપે છે પણ પતિ પ્રત્યે પ્રેમ હોવાથી લગ્ન રદ કરવા માગતી નથી.

પતિએ જોકે અનેક કારણસર ક્રૂરતાનો દાવો કર્યો હતો જેમાં શારીરિક સંબંધનો ઈનકાર તથા લગ્નબાહ્ય સંબંધની શંકા તથા પરિવાર, મિત્રો અને કર્મચારીઓ સામે શરમાવીને માનસિક પરિતાપ કરાવાનો સમાવેશ થાય છે.

પત્નીએ માતાપિતાના ઘરે જઈને પોતાને ત્યજી દીધો હોવાનો દાવો પતિએ કર્યો હતો. પતિના કર્મચારીઓ સામે પત્નીનો વ્યવહાર તેને માનસિક ત્રાસ કરનારો જ છે અને એ રીતે મિત્રો સામે અપમાનીત કરવાનું કૃત્ય પણ ક્રૂરતા છે, એમ કોર્ટે નોંધ્યું હતુંં.

પતિની દિવ્યાંગ બહેન પ્રત્યેનું મહિલાનું ઉદાસિન વર્તન પતિ અને તેના પરિવાર માટે દુખદાયી છે એમ નોંધીને કોર્ટે મહિલાની અરજી નકારીને જણાવ્યું હતું કે બંને વચ્ચેના લગ્ન સંબંધ સુધરી શકે તેવા રહ્યા નથી.