Get The App

તમામ બોઈંગ 787 ની ઈલેક્ટ્રિક સિસ્ટમની ચકાસણી કરવાની માગણી

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
તમામ બોઈંગ 787 ની ઈલેક્ટ્રિક સિસ્ટમની ચકાસણી કરવાની માગણી 1 - image


- ડીજીસીએ સમક્ષ પાયલટ સંગઠને ચિંતા વ્યક્ત કરી

- 12મી જૂનની  દુર્ઘટના પછી પણ સઘન ચકાસણી નહીં થઈ હોવાની પાયલટ સંગઠનની ફરિયાદ

મુંબઈ: ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ (એફઆઈપી)એ ભારતીય એવિયેશન નિયામક ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ને દેશમાં કાર્યરત તમામ બોઈંગ ૭૮૭ વિમાનની ઈલેક્ટ્રિકલ સીસ્ટમોની વ્યાપક ચકાસણી યોજવાની અપીલ કરી છે. ગત ચોથી ઓક્ટોબરના રોજ અમૃતસરથી બમગહામ જતી એર ઈન્ડિયાની બોઈંગ ૭૮૭ ફ્લાઈટના અંતિમ તબક્કા દરમ્યાન તેના રેમ એર ટર્બાઈન (આરએટી) અણધારી રીતે શરુ થઈ ગયાના અનુભવ પછી આ અપીલ કરવામાં આવી છે.

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પૂર્ણ એન્જિન અથવા ઈલેક્ટ્રિકલ નિષ્ફળતા દરમ્યાન ઈમરજન્સી પાવર પૂરો પાડતુ આરએટી પાંચસો ફીટની ઊંચાએ ઓટોમેટિક ચાલુ થઈ ગયું હતું.

 વિમાનની ઈલેક્ટ્રીકલ સીસ્ટમ સંભાળતા મહત્વના ઘટક હેલ્થ મોનિટરીંગ સીસ્ટમે બસ પાવર કંટ્રોલ યુનિટ (બીપીસીયુ)માં ખામી શોધી કાઢતા આરએટી અચાનક ચાલુ થઈ ગયું હતું.  સદ્નસીબે વિમાન સલામતીપૂર્વક લેન્ડ થયું હતું.

એફઆઈપી પ્રમુખે જણાવ્યું કે આ એકલદોકલ ઘટના નહોતી પણ બોઈંગ ૭૮૭ સાથે આવું અનેક વાર બન્યું હતું અને તેમણે ડીજીસીએ તેમજ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરો (એએઆઈબી)ને કાફલાની પૂર્ણ સ્તરે ચકાસણી કરવાની અરજ કરી હતી.

પાંચ હજારથી વધુ કોકપિટ ક્રૂ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા પાયલટોના સંગઠને જણાવ્યું કે ૧૨મી જૂને ૨૬૦ લોકોનો ભોગ લેનાર અમદાવાદ નજીક એર ઈન્ડિયા ફ્લાઈટ એઆઈ ૧૭૧ના અકસ્માત પછી માત્ર મર્યાદિત ચકાસણી કરવામાં આવી હતી.

દુર્ઘટનામાં એએઆઈબીની પ્રાથમિક ચકાસણીથી જાણ થઈ કે વિમાનની એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ટેકઓફ પછી અચાનક બંધ થઈ ગઈ હતી. એફઆઈપી માને છે કે વારંવાર થતા  ઈલેક્ટ્રિકલ ખામી આવી ઘટનાઓ વચ્ચેની સામાન્ય કડી હોઈ શકે. બોઈંગે હજી કોઈ નિવેદન નથી આપ્યું અને તાજેતરના દાયકાઓમાં ભારતના સૌથી જીવલેણ એવિયેશન દુર્ઘટના બાબતે ચૂપકીદી જ જાળવી રાખી છે.

Tags :