ટ્રેન વિસ્ફોટો કેસની ફેરતપાસ અને નિર્દોષ છૂટેલા દરેકને 19 કરોડના વળતરની માંગ

નીચલી કોર્ટ દ્વારા જ છોડી મૂકાયેલા આરોપીની માગણી
વ્યવસાયે શિક્ષક અબ્દુલ વાહિદ શેખે ટ્રેન વિસ્ફોટો કેસના પોતાના અનુભવો વિશે 'બેગુનાહ કૈદી' પુસ્તક પણ લખ્યું છે
આરોપીઓ પાસે કબૂલાતો કરાવવા થઈ રહેલાં દબાણથી ત્રાસી એસીપી વિનોદ ભટે આત્મહત્યા કરી હોવાનો દાવો
મુંબઇ - મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧/૭/૨૦૦૬ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં વર્ષ ૨૦૧૫માં અદાલત દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવેલા એકમાત્ર આરોપી અબ્દુલ વાહિદ શેખે મંગળવારે આ કેસની તપાસ માટે હાઇકોર્ટના જજની આગેવાની હેઠળ એસઆઇટી દ્વારા ફરી તપાસની તથા જેલમાં ૧૯ વર્ષ ગાળ્યા બાદ નિર્દોષ છૂટેલા આરોપીઓને ૧૯ કરોડનાં વળતરની માગણી કરી હતી. બોમ્બે હાઇકોર્ટે તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના એક દિવસ પછી શેખે આ માગણી ઉઠાવી હતી.
અબ્દુલ વાહિદ શેખની એટીએસ દ્વારા ધરપકડ કરાઈ હતી. જોકે, ધરપકડના નવ વર્ષ પછી વર્ષ ૨૦૧૫માં ખાસ અદાલતે તેમને શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસ સંબંધિત તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. તે સમયે નીચલી અદાલતે કોર્ટ બારમાંથી પાંચને મૃત્યુદંડ અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૨૧માં મૃત્યુદંડની સજા પામેલા એક કેદીનું મૃત્યુ થયું હતું. સોમવારે હાઇકોર્ટે તમામ ૧૨ આરોપીઓને મુક્ત કર્યા અને નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને આરોપીઓએ આ ગુનો કર્યો છે તે માનવું મુશ્કેલ છે.
શિક્ષક તરીકે કામ કરતા શેખ, એટીએસ દ્વારા તમામ આરોપીઓને ટોર્ચર કરાયાના આક્ષેપો સતત કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓને ટોર્ચર કરીને કબૂલાતનામાં કરાવી લેવાયાં છે તેવો ઉલ્લેખ હાઈકોર્ટની વિશેષ બેન્ચે પણ પોતાના ચુકાદામાં કર્યો છે.
શેખ જેલમાં હતા ત્યારે 'બેગુનાહ કૈદી' નામનું પુસ્તક લખ્યું હતું.
શેખે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે સરકારે હાઇકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ બનાવીને કેસની ફરીથી તપાસ કરવી જોઇએ જેથી લોકલમાં બોમ્બ વિસ્ફોટ પાછળના વાસ્તવિક ગુનેગારોની ધરપકડ થાય.
શેખ દ્વારા અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. તેમાં એટીએસ દ્વારા ખોટી તપાસ બદલ માફી માગવામાં આવે, નિર્દોષ હોવા છતા ૧૯ વર્ષ જેલમાં વિતાવનારા બાર લોકોને ૧૯ કરોડ રૃપિયા વળતર પેટે આપવામાં આવે અને તેમને સરકારી નોકરીઓ અને ઘરો ફાળવવામાં આવે તેવી માંગનો સમાવેશ થાય છે.
શેખે આગળ જણાવ્યુ ંહતું કે 'ઘણું મોડું થયું હોવા છતાં આ લોકોને આખરે ન્યાય મળ્યો છે. હાઇકોર્ટના ચુકાદાએ એટીએસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.' શેખે ટ્રેન વિસ્ફોટોના મૃતકોના પરિવારજનો તથા ઈજાગ્રસ્તો માટે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
શેખે લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના તપાસ અધિકારીઓમાંના એક સ્વર્ગસ્થ એસીપી વિનોદ ભટને યાદ કર્યા હતા. શેખે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે ભટને આરોપીઓ સામે પુરાવા ઉભા કરવા અને ખોટા સાક્ષીઓ બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આજે એસીપી ભટનો આત્મા પણ ખુશ થતો હશે. તેમણે ઓગસ્ટ ૨૦૦૬માં નિર્દોષ લોકોને ફસાવવાના દબાણને લઇ રેલવે ટ્રેક પર પોતાનું જીવન સમપ્ત કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભટની આત્મહત્યાને દાદર રેલવે પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવી હતી.








