પર્યુષણના 9 દિવસ કતલખાના બંધ રાખવાની હાઈકોર્ટમાં માગણી
નવ દિવસ બંધ રાખવાં એવો કાયદો ક્યાં છે, હાઈકોર્ટનો સવાલ
ફક્ત બે જ દિવસ બંધ રાખવાના પાલિકાના આદેશને પડકારવા અરજીમાં સુધારો કરવા બે સપ્તાહની મુદ્દ અપાઈ
કોર્ટ હસ્તક્ષેપ કરી શકે તે માટે એક અંતર્ગત કાયદો હોવો જરૃરી
મુંબઈ - પર્યુષણ વખતે નવ દિવસ માટે મુંબઈના કતલખાના બંધ રાખવાની અરજી બોમ્બે હાઈકોર્ટમાં થઈ છે. જોકે, કોર્ટે પર્યુષણ દરમિયાન નવ દિવસ કતલખાનાં બંધ રાખી શકાય તેવો કોઈ કાયદો નથી તેવું નિરીક્ષણ કરી અરજદારોને રિટ અરજી દાખલ કરવાને બદલે પર્યુષણમાં ફક્ત બે દિવસ કતલખાનાં બંધ રાખવાના બીએમસીના આદેશને પડકાર આપવા માટે અરજી સુધારવા સમય આપ્યો હતો. સાથે સાથે અદાલતે બીએમસીને પણ તેનો જવાબ રજૂ કરવા નોટિસ આપી હતી.
ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ સંદીપ માર્નેની બેન્ચે જૈન અરજદારો દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યુ ંહતું કે તે કોઈપણ રાજ્ય સત્તામંડળને આદેશનો રિટ જારી કરી શકતી નથી કારણ કે જૈન તહેવાર દરમિયાન કતલખાનાઓ બંધ રાખવા જોઈએ તેવો કોઈ કાયદો કે નિયમ નથી.તમે પરમ આદેશ માંગી રહ્યા છો. તેના માટે કાયદામાં આદેશ હોવો જોઈએ. કાયદો ક્યાં છે? એવું ક્યાં કહેવાયું છે કે કતલખાનાઓ ૧૦ દિવસ માટે બંધ રાખવા જોઈએ?એમ બેન્ચે પૂછયું હતું.
કોર્ટે ધ્યાન દોર્યું કે હાલનો કેસ હિંસા વિરોધી સંઘના કેસથી અલગ છે જેમાં સુપ્રીમ કોર્ટે જૈન તહેવાર દરમિયાન કતલખાનાઓ બંધ કરવાના અમદાવાદ મહાપાલિકાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
અમદાવાદમાં કોર્પોરેશને નિર્ણય લીધો હતો. પરંતુ (આ કિસ્સામાં), કોઈ કાયદાકીય આદેશ નથી, કોઈ નિયમ નથી, કોઈ કાયદો નથી, કોઈ નીતિ નથી, કોઈ કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવો અધિકાર નથી કે જેને તેઓ બંધ કરે. તે જવાબદારી ક્યાં છે? તમે ભેદ સમજો છો,એમ કોર્ટે ટિપ્પણી કરી હતી.
અગાઉની સુનાવણીમાં કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કાર્પોરેશનને પર્યુષણ દરમિયાન ફક્ત એક દિવસ બંધ રાખવાના પ્રારંભિક નિર્ણય પછી સમુદાયના પ્રતિનિધિત્વ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, બીએમસીએ ૧૪ ઓગસ્ટના રોજ આપેલા આદેશમાં, પ્રતિબંધને બે દિવસ, ૨૪ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો.
આનાથી નાખુશ, અરજદારો કોર્ટમાં પાછા ફર્યા અને આજથી શરૃ થતા ઉત્સવના સમયગાળા માટે સંપૂર્ણ નવ દિવસના બંધનો આગ્રહ રાખ્યો હતો.અરજદારો વતી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચુડે દલીલ કરી હતી કે મુંબઈમાં અમદાવાદ કરતાં જૈનોની વસ્તી વધુ છે અને બીએમસી આ બાબતને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ છે.
તેમણે હિંસા વિરોધી સંઘના ચુકાદાને ટાંકીને દલીલ કરી હતી કે આવી બંધી ગેરબંધારણીય નથી અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતી નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ અરજીમાં માછલી અથવા સીફૂડનો સમાવેશ કરાયો નથી.
અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પ્રસાદ ધકેફાલકરે દલીલ કરી હતી કે મોટાભાગના મુંબઈગરાઓ શાકાહારી હોવા છતાં, બીએમસીએ માંસાહારી લોકોની ની પસંદગીઓને અપ્રમાણસર રીતે ધ્યાનમાં લીધી છે.
તેમણે એ પણ નિર્દેશ કર્યો કે સમ્રાટ અકબરે પણ પર્યુષણ દરમિયાન કતલ પર પ્રતિબંધ મૂકવાના આદેશ બહાર પાડયો હતો જ્યારે બીએમસી તરફથી આવો આદેશ મેળવવો મુશ્કેલ છે.
જોેકે, કોર્ટે કહ્યું કે અમદાવાદ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો સમાવેશ થાય છે, કોર્ટ દ્વારા ન્યાયિક નિર્દેશ દ્વારા લાદવામાં આવેલ નિર્ણયનો નહીં. કોર્ટ હસ્તક્ષેપ કરી શકે તે માટે એક અંતર્ગત કાયદો હોવો જોઈએ.
કોર્ટે સૂચન કર્યું કે જો અરજદારો માનતા હોય કે પાલિકાનો નિર્ણય સંબંધિત તથ્યોને ધ્યાનમાં લીધા વિના અથવા તેના મનનો ઉપયોગ કર્યા વિના લેવામાં આવ્યો હતો, તો તેમણે રિટ અરજી દાખલ કરવાને બદલે તે આદેશને પડકારવા માટે અરજીમાં સુધારો કરવો જોઈએ.
તેથી, અરજદારને અરજીમાં સુધારો કરવા માટે સમય આપવા માટે આ મામલો બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. કોર્ટે બીએમસીને પણ નોટિસ ફટકારી હતી.