પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવટી હોવાનું દિલ્હી પોલીસની રજૂઆત

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવટી હોવાનું દિલ્હી પોલીસની રજૂઆત 1 - image


ભૂતપૂર્વ પ્રોબેશનરી ઓફિસરની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

આઇએએસની પરીક્ષામાં વધુ એટેમ્પટ મેળવવા આરોપીએ ડિસેબિલિટીના બે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા

મુંબઇ: ભૂતપૂર્વ આઇએએસ ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકરે યુપીએસસીમાં રજૂ કરેલું ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવટી હોવાની સંભાવના છે તેવું દિલ્હી પોલીસે દિલ્હી હાઇકોર્ટમાં જાણ કરી છે.

પૂજા ખેડકરની આગોતરા જામીન અરડી પર ગુરુવારે સુનાવણી થશે તેના ત્રણ દિવસ અગાઉ બીજી સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે બીજો સ્ટેટસ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો.

પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં વર્ષ ૨૦૨૨માં અને ૨૦૨૩માં અનુક્રમે એક-એક ડિસેબિલિટી સર્ટિફિકેટસ રજૂ કર્યા હતા. અહમદનગરની સંબંધિત મેડિકલ ઓથોરિટીએ કથિત રીતે આપેલા મેડિકલ સર્ટિફિકેટસની પુષ્ટિ સંબંધિત અધિકારી સાથે  કરવામાં આવી હતી પણ બેમાંથી એક સર્ટિફિકેટ સંબંધિત મેડિકલ ઓથોરિટીના રેકોર્ડસમાં મળ્યું ન હતું.

પૂજા ખેડકરને ૧૮મી જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે બે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. એક સર્ટિફિકેટમાં તેને બંને આંખની દ્રષ્ટિ ઝાંકી હોવાનું (૪૦ ટકા ડિસેબિલિટી) અને માનસિક બિમારી (૨૦ ટકા ડિસેબિલિટી)નું લખવામાં આવ્યું હતું. બીજા સર્ટિફિકેટમાં જમણા કાનમાં ઘટેલી શ્રવણશક્તિ (૧૦ ટકા ડિસેબિલિટી), લોકોમોટર ડિસેબિલિટી (૧૫ ટકા જેટલી, હલનચલનમાં  મુશ્કેલી) અને બંને આખમાં દ્રષ્ટિ ઝાંખી હોવાનું (૪૦ ટકા) દર્શાવવામાં  આવ્યું હતું. આ બીજુ સર્ટિફિકેટ સંબંધિત મેડિકલ ઓથોરિટીના રેકોર્ડ પર નથી તેવી જાણ થઇ છે તેવું દિલ્હી પોલીસે કહ્યું હતું.

પહેલી ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ  કોર્ટે ખેડકરની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી હાઇકોર્ટે ૧૨મી ઓગસ્ટે ખેડકરની ધરપકડ સામે વચગાળાનું  અને ૨૧મી ઓગસ્ટ સુધીનું રક્ષણ આપ્યું હતું. જે દિલ્હી હાઇકોર્ટે ૨૯મી ઓગસ્ટ સુધી લંબાવ્યું હતું જે પછી પાંચમી સપ્ટેમ્બર સુધી લંબાવ્યું હતું.

પૂજા ખેડકરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા દિલ્હી પોલીસે કહ્યું હતું કે પૂજા ખેડકર સામે છેતરપિંડી અંગેના ગંભીર આરોપો છે. યુપીએસસી પાસે તેમને ગેરલાયક ઠેરવવાનો કોઇ અધિકાર નથી અને આ અધિકાર ફક્ત કેન્દ્ર સરકારના કાર્મિક  વિભાગનો છે તેવું ખેડકરે કહ્યું હતું.


Google NewsGoogle News